×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સાવરકરે અંગ્રેજોની મદદ કરી હતી, પત્ર લખ્યો હતો 'સર હું તમારી નોકરી કરવા માંગું છું'


- રાહુલના નિવેદનથી હોબાળો, મહારાષ્ટ્રમાં ભારત જોડો યાત્રા રોકવા માગ

- સાવરકરના પૌત્રએ રાહુલ ગાંધી સામે પોલીસ ફરિયાદ દાખલ કરી ઉદ્ધવ-શિંદે સહિતના તમામ મરાઠી નેતાઓએ વિરોધ નોંધાવ્યો 

નવીદિલ્હી, મુંબઈ : રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા મહારાષ્ટ્રમાં પહોંચી છે. એ દરમિયાન રાહુલ ગાંધીએ વીર સાવરકાર અંગે ચર્ચાસ્પદ નિવેદન આપીને વિવાદ સર્જ્યો છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે સાવરકરે અંગ્રેજોને મદદ કરી હતી ને પત્ર લખીને કહ્યું હતું કે સર, હું તમારો નોકર બનવા માગું છું. વીર સાવરકરના પૌત્ર રંજીત સાવરકરે રાહુલ ગાંધી સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. તેમણે સાવરકરના પ્રદાનની મજાક કરીને તેમનું અપમાન થયું હોવાનું કહ્યું હતું.

જન-જાતીય દિવસના ઉત્સવ દરમિયાન પોતાનાં પ્રવચનમાં બીરસા મુંડા સાથે વીર સાવરકરની તુલના કરતાં રાહુલે સાવરકરને અંગ્રેજોનાં એજન્ટ કહી દીધા. આથી સમગ્ર મહારાષ્ટ્રમાં ધમાલ મચી ગઈ છે. તો બીજી તરફ રાજ્યમાં કોંગ્રેસના સાથી પક્ષ શિવસેનાએ તે વિધાનોને અસ્વીકાર્ય ગણાવ્યાં છે. જ્યારે એનસીપીએ તે વિષે તદ્દન મૌન સેવ્યુ છે. પરંતુ વિશ્લેષકો માને છે કે, મહારાષ્ટ્રના જનસામાન્યમાં તેથી રોષ પ્રવર્તી રહ્યો છે. આથી જ ઉક્ત બંને પક્ષો રાહુલનાં તે વિધાનોનું સમર્થન કરવાનું પરિણામ જાણે જ છે. એ નિવેદનથી કોંગ્રેસના નેતાઓ, સાથી પાર્ટી શિવસેના સહિતના નેતાઓએ અંતર બનાવીને તેને રાહુલ ગાંધીનું અંગત મંતવ્ય ગણાવ્યું હતું.  બીજી તરફ ભાજપ અને એકનાથ શિંદે જૂથ રાહુલ ગાંધી ઉપર તૂટી જ પડયાં છે.મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે રાહુલનાં વિધાનોનો વિરોધ કરતાં કહ્યું હતું કે, મહારાષ્ટ્રના લોકો તે સહન કરશે નહીં. આવી યાત્રા તો પ્રતિબંધિત જ કરવી જોઈએ. મહારાષ્ટ્રની જનતા જ તે લોકોને જવાબ આપશે. આ લોકો રોજે રોજ ખોટી વાતો કરી રહ્યાં છે. નિર્લજ્જતાની હદ પાર કરી ગયા છે.

જ્યારે એકનાથ શિંદે જૂથે પણ રાહુલ ગાંધીનાં આ વિધાનોને તદ્દન અયોગ્ય જ ગણાવ્યાં હતાં અને કહ્યું હતું કે, હવે મહારાષ્ટ્રમાં કોંગ્રેસની મુશ્કેલીઓ વધી જશે.

ઉલ્લેખનીય છે કે એક સમયે મહારાષ્ટ્રમાં નંબર વન મનાતી કોંગ્રેસ પાર્ટી હવે છેક ચોથાં સ્થાને પહોંચી ગઈ છે. ત્યાં કોંગ્રેસ મરાઠી અસ્મિતાનું રાજકારણ ખેલનારી શિવસેના અને એન.સી.પી. તેની સહયોગી પાર્ટીઓ છે.

જોકે, રાહુલ ગાંધીએ એક પત્ર દર્શાવ્યો હતો કે, જેમાં વીર સાવરકરે અંગ્રેજ સરકારને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ''હું તમારો નોકર બનવા ઇચ્છું છું.'' આ અંગે કેટલાંક વિશ્લેષકોનું કહેવું છે કે, તે પત્રમાં પૂર્વાપર સંબંધ શો છે તે વિષે સૌથી પહેલાં વિચારવું જરૂરી છે. તે પછી જ કોઇ વિધાનો કરવાં જોઈએ.

તે જે હોય તે, પરંતુ મહારાષ્ટ્રમાં તો શિવાજી મહારાજ, વીર સાવરકર અને તિલક મહારાજ આરાધ્ય મનાય છે. તેમના વિષે ભૂલથી પણ ઉચ્ચારેલાં ઉણાં વિધાનો ચક્રવાત સર્જી શકે તેમ છે. તેટલું પણ રાહુલ ભૂલી ગયા હોય તેમ લાગે છે. તે ભૂલનો ભોગ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ બની રહેશે તે નિશ્ચિત લાગે છે.