×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સોશિયલ મીડિયા કંપની ઈચ્છે તો કોઈ પણ પાર્ટીને જીતાડી શકે: રાહુલ ગાંધી


- રાહુલ ગાંધીએ તેમની 'ભારત જોડો યાત્રા' દરમિયાન આ ટિપ્પણી કરી

મુંબઈ, તા. 17 નવેમ્બર 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે ભારત જોડો યાત્રાના 70મા દિવસે કહ્યું હતું કે, સોશિયલ મીડિયા દ્વારા ચૂંટણીમાં ધાંધલધમાલ થઈ શકે છે અને સોશિયલ મીડિયા કંપનીઓ જો ઈચ્છે તો કોઈપણ પક્ષને ચૂંટણી જીતાડી શકે છે. કોઈપણ પક્ષનું નામ લીધા વિના તેમણે એમ પણ કહ્યું કે, સમાજમાં વિસંગતતા પેદા કરવા માટે એક વિચારધારા અને તેના નેતાઓ દ્વારા સાંપ્રદાયિક હિંસાને વ્યૂહાત્મક હથિયાર તરીકે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધીએ તેમની 'ભારત જોડો યાત્રા' દરમિયાન કાર્યકરો મેધા પાટકર અને જીજી પરીખની આગેવાની હેઠળના નાગરિક સમાજ સંગઠનોના સભ્યો સાથેની વાતચીત દરમિયાન આ ટિપ્પણી કરી હતી.

કોંગ્રેસ સાંસદે કહ્યું કે, ભલે EVM (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) સુરક્ષિત છે પરંતુ સોશિયલ મીડિયા દ્વારા ભારતીય ચૂંટણીમાં છેતરપિંડી થઈ શકે છે. મોટી સોશિયલ મીડિયા કંપનીઓ જો ઇચ્છે તો કોઈપણ પક્ષને ચૂંટણી જીતાડી શકે છે. ત્યાં વ્યવસ્થિત રીતે પૂર્વગ્રહ લાગુ કરવામાં આવી રહ્યો છે અને મારું સોશિયલ મીડિયા હેન્ડલ તેનું જીવંત ઉદાહરણ છે.

કોંગ્રેસના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બેઠક દરમિયાન પ્રતિનિધિઓએ રાજકીય લોકશાહી અને સાંપ્રદાયિક સૌહાર્દ જેવા સંબંધિત મુદ્દા ઉઠાવ્યા હતા. રાજકીય લોકશાહી અંગે પાટકરે કહ્યું કે તે માત્ર EVM વિશે શંકાઓ સુધી મર્યાદિત નથી પરંતુ તેનો અર્થ એ પણ છે કે, VVPAT (વોટર વેરિફાઇબલ પેપર ઓડિટ ટ્રેઇલ) સાથે મેળ અત્યંત મહત્વપૂર્ણ છે.

પાટકરે તમામ પક્ષોના ઢંઢેરાના મુસદ્દા અને ફોર્મ્યુલેશનમાં નાગરિકોની ભાગીદારી વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, મેનિફેસ્ટોને તમામ રાજકીય પક્ષો માટે બંધનકર્તા બનાવવા અંગે કાયદાકીય સુધારા કરવા જોઈએ.

ગ્રામ સભાઓ અને સ્થાનિક સંસ્થાઓને મજબૂત કરવાની સુસંગતતાનો ઉલ્લેખ કરતા પાટકરે કહ્યું કે, મહાત્મા ગાંધીએ તેની પરીકલ્પના કરી હતી. તેમણે ખેડૂતોના લાભ માટે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) અને મજૂર કાયદા જેવા કાયદાઓમાં સુધારા પર પણ ભાર મૂક્યો હતો.