×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ફ્રિજમાં શ્રદ્ધાના મૃતદેહના ટૂકડાં પડયા હતા ને આફતાબ ઘરમાં નવી ગર્લફ્રેન્ડને લાવતો હતો


- આફતાબ દરરોજ ફ્રિજમાંથી શ્રદ્ધાનું માથું બહાર કાઢીને જોતો હતો

- મેં હત્યાનો પ્લાન અગાઉ બનાવ્યો હતો, પણ શ્રદ્ધા ઈમોશનલ થઈ ગઈ એમાં એક સપ્તાહ વધુ જીવીઃ નરાધમની કેફિયતોથી પોલીસ પણ ચોંકી ગઈ

- શ્રદ્ધાને જીવતી બતાવવા માટે આફતાબ તેના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને પોસ્ટ મૂકતો હતો

- હત્યા બાદ મહારાષ્ટ્ર જઈને મોબાઈલ-સીમ ફેંક્યાં

નવી દિલ્હી : મુંબઈના કોલ સેન્ટરમાં સાથે કામ કરતી વખતે શ્રદ્ધાને આફતાબનો પરિચય થયો હતો. ધાણીફૂટ અંગ્રેજી બોલતો આફતાબ મહિલાઓની સમાનતાની વાતો કરતો હતો. સોશિયલ મીડિયામાં તેને લગતી પોસ્ટ મૂકતો હતો. શ્રદ્ધાને તેના મોર્ડન વિચારો ગમ્યાં હતાં. પહેલાં બંને વચ્ચે દોસ્તી થઈ અને પછી દોસ્તી પ્રેમમાં પરિણમી. આફતાબમાં પોતાની જાત કરતાં પણ વધુ ભરોસો મૂકીને એક ઝાટકે પરિવારને છોડી દેનારી શ્રદ્ધાની એ જ આફતાબે ઠંડા કલેજે હત્યા કરીને મૃતદેહના એક-બે નહીં ૩૫ ટૂકડા કર્યા હતા. આ હત્યાકાંડની એક પછી એક કંપારી છૂટે તેવી વિગતો સામે આવી રહી છે.

શ્રદ્ધાના હત્યારા આફતાબની પૂછપરછ દરમિયાન નવા નવા ધડાકા થઈ રહ્યાં છે. આફતાબે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે એક તરફ ફ્રિજમાં શ્રદ્ધાના મૃતદેહના ટૂકડાંઓ પડયા હતા ને બીજી તરફ ડેટિંગ એપમાંથી નવી બનાવેલી ગર્લફ્રેન્ડને એ ઘરે લાવતો હતો. જે રૂમમાં શ્રદ્ધાનું ગળું ઘોંટીને હત્યા કરી હતી, જે સ્થળે શ્રદ્ધાના આખા શરીરના ઠંડાકલેજે એક પછી એક ૩૫ ટૂકડા કર્યા હતા એ જ રૂમમાં એ નવી ગર્લફ્રેન્ડ સાથે સૂતો હતો અને તેની સાથે સંબંધ બનાવતો હતો.

નરાધમે તો પોલીસ સમક્ષ ત્યાં સુધી કબૂલ્યું હતું કે શ્રદ્ધાના શરીરના એક પછી એક ટૂકડાંનો એ નિકાલ કરતો જતો હતો. શ્રદ્ધાનું માથું કાળી થેલીમાં રાખીને ફ્રિજના એક અલગ ખાનામાં રાખ્યું હતું. દરરોજ એ શ્રદ્ધાનું માથું ફ્રિજમાંથી બહાર કાઢીને જોતો હતો. આફતાબની કેફિયતો સાંભળીને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા છે. ભલભલાં ખૂંખાર ગુનેગારો પણ એક વખત જેવું કરતાં બે વખત વિચારે એવું ભણેલો-ગણેલો આફતાબ એકદમ ઠંડા કલેજે કરતો હતો અને કોઈને ય તેની જાણ થવા દીધી ન હતી.

આખા મૃતદેહનો નિકાલ કર્યા બાદ એ મહારાષ્ટ્ર ગયો હતો અને બંનેના મોબાઈલ-સીમ કાર્ડનો નિકાલ મહારાષ્ટ્રમાં જઈને કર્યો હતો. શ્રદ્ધાના મિત્રો અને તેના પરિવારજનોને ગેરમાર્ગે દોરવા તેણે થોડો વખત શ્રદ્ધાના મોબાઈલમાંથી સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ મૂકી હતી. શ્રદ્ધાના મૃતદેહનો નિકાલ પણ થયો ન હતો ત્યાં તો એ ડેટિંગ એપ્સનો ઉપયોગ કરવા માંડયો હતો અને શ્રદ્ધાને જે રીતે સારી સારી ઉમદા સ્ત્રી સ્વાતંત્ર્યની વાતો કરીને ફસાવી હતી એ જ રીતે તેણે બીજી ગર્લફ્રેન્ડ બનાવી લીધી હતી.

શ્રદ્ધાની હત્યા અને એ પછી લાશના નિકાલ માટે આફતાબે ઈન્ટરનેટનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. ફર્શ પર શ્રદ્ધાના લોહીથી પડેલા ડાઘ સાફ કરવા તેણે ગૂગલ કરીને કેમિકલ ખરીદ્યું હતું. લોહી વાળા કપડાં તેણે દૂરની કોઈ કચરા પેટીમાં નાખી દીધા હતા. ફ્રિજમાંથી થોડાં ટૂકડાનો નિકાલ કર્યા પછી એ નિયમિત ફ્રિજની સફાઈ પણ કેમિકલથી કરતો હતો.

તેણે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે શ્રદ્ધા સાથે સંબંધ બંધાયો તે પહેલાં પણ તેની અનેક ગર્લફ્રેન્ડ હતી. મોટાભાગની ગર્લફ્રેન્ડ્સ એ ડેટિંગ એપમાંથી મેળવતો હતો. શ્રદ્ધા સાથે લિવ ઇનમાં રહેતો હતો ત્યારે પણ એ ડેટિંગ એપનો ઉપયોગ કરીને બીજી છોકરીઓ સાથે સંપર્કમાં હતો.

લવ-જેહાદનો આરોપ મૂકીને એ દિશામાં તપાસની પિતાની માગ

- ટેકનોલોજીની મદદથી આફતાબ સામે પોલીસ મજબૂત પુરાવા એકઠાં કરશે

શ્રદ્ધાના પિતા વિકાસ વોકરે કહ્યું હતું કે આ કેસ લવ-જેહાદનો છે અને એ દિશામાં તપાસ થવી જોઈએ. શ્રદ્ધાના પિતાના કહેવા પ્રમાણે આફતાબે તેને ફસાવી હતી. તેના પિતાએ આફતાબને મૃત્યુદંડ આપવાની માગણી કરી હતી. શ્રદ્ધાના પરિવારના કહેવા પ્રમાણે ૨૦૧૯માં બંને પરિચયમાં આવ્યાં હતાં અને ત્યાર બાદ શ્રદ્ધા તેની સાથે લિવ ઈનમાં રહેવા પરિવારને મૂકીને દિલ્હી રહેવા જતી રહી હતી. બીજી તરફ પોલીસે ટેકનોલોજી અને વૈજ્ઞાાનિક સંશોધનોના આધારે આફતાબ સામે પુરાવા એકઠાં કરવાની તજવીજ શરૂ કરી છે. ફોરેન્સિક તપાસ કરાશે. તે ઉપરાંત બ્રેન મેપિંગ, નાર્કો ટેસ્ટ અને લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાય એવી પણ પોલીસ કોર્ટ સમક્ષ રજૂઆત કરશે. આફતાબ વારંવાર સ્ટેટમેન્ટ બદલતો હોવાથી તેની સામે મજબૂત પુરાવા એકઠાં કરવા માટે આધુનિક સાધનો અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે એવું પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવાની મથામણ પણ આદરી છે. તે સિવાય મૃતદેહના જે ટૂકડાં મળશે તેના પણ પરીક્ષણો થશે.