×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગોંડલ વિધાનસભામાં કાયદો-વ્યવસ્થા જોખમાય તેવી શક્યતાનો IBનો રિપોર્ટ


અમદાવાદ

વિધાનસભાની ચૂંટણીમાં ગોંડલની બેઠક પર ગોંડલના જયરાજસિંહ  અને રીબડાના અનિરૂદ્વસિંહ જુથે ટિકિટનો દાવો કરતા હાલ ગોંડલ વિધાનસભાની બેઠક સૌથી સંવેદનશીલ બની રહી હોવાનો રિપોર્ટ ઇન્ટેલીજન્સ બ્યુરો દ્વારા અપાયો છે. જે અનુસંધાનમાં ચૂંટણીપંચે ગુજરાત પોલીસને ગોંડલમાં કાયદો અને વ્યવસ્થા અનુસંધાનમાં બંમણો બંદોબસ્ત ગોઠવવા માટે તાકીદ કરી છે.ગોંડલ વિધાનસભા પર હાલ જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબા જાડેજા ધારાસભ્ય છે. પરંતુ, હવે વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ જયરાજસિંહ જાડેજાના પુત્રને ફાળવવા માટે માંગણી કરવામાં આવી છે. તો રીબડાના અનિરૂદ્વસિહ જાડેજા જુથે  અનિરૂદ્વસિંહના પુત્ર રાજદીપસિંહ માટે ટિકિટની માંગણી કરી છે. જેના કારણે વિવાદ સર્જાયો છે. જેમાં બંને જુથ સમાધાન કરવા માટે તૈયાર નથી અને બે દિવસ પહેલા ફોન કોલનો ઓડિયો વાયરલ થયા બાદ આઇબીનો ચોંકાવનારો રિપોર્ટ મળતા પોલીસ અને ચૂંટણીપંચ માટે ચિંતાનો માહોલ સર્જાયો છે.  જે અનુસંધાનમાં ચૂંટણીપંચે પોલીસ વિભાગને ગોંડલ વિધાનસભાની બેઠક પર વિવિઘ સુરક્ષા એજન્સી મદદ લઇને બમણો બંદોબસ્ત ગોઠવવા માટે તાકીદ કરી છે. જ્યારે  આઇપીએસ કક્ષાના અધિકારીને રાઉન્ડ ધ ક્લોક વોચ રાખવા માટે પણ કહેવામાં આવ્યું છે.

તો બીજી તરફ પોલીસ અધિકારીઓએ ભાજપના સિનિયર નેતાઓ સાથે મુલાકાત કરીને ગોંડલ અને રીબડા જુથ વચ્ચે સમાધાન કરાવવા માટે રજૂઆત કરી હતી. જો કે ઉમેદવારોની યાદી બે દિવસમાં નક્કી થવાની શક્યતા હોવાથી બંનેમાંથી એક નારાજ જુથ વિરોધ કરી શકે છે અને તેની અસર ગોંડલ અને આસપાસના વિસ્તારમાં  કાયદો અને વ્યવસ્થા પર થઇ શકે છે. જેથી ગોંડલ વિધાનસભાની બેઠક  કાયદો-વ્યવસ્થાને લઇને જોખમી  બની છે.