×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભાજપની સત્તાવાર યાદી જાહેર થઈ નથી છતાં સંભવિત નામો અંગે અનેક અટકળો


- સુરતની 11 વિધાનસભાના ઉમેદવારોની યાદી સોશિયલ મીડિયામાં ફરતી થતાં ટેકેદાર દાવેદારોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ 

કતારગામ વિધાનસભાનું નામ સોશ્યલ મિડિયામાં જાહેર નથી થયું પણ : ઉધનામાં પુર્વ કલેક્ટર મહેન્દ્ર પટેલ, કામરેજમાં જનક બગદાણા વાળા, પશ્ચિમમાં મેયર હેમાલી બોઘાલાવા, ચોર્યાસીમાં જિલ્લા ભાજપ પ્રમુખ સંદિપ દેસાઈ અને વરાછામાં દિનેશ નાવડિયા અને પ્રતાપ જીરાવાલા બે નામ 

સુરત,તા.8 નવેમ્બર 2022,મંગળવાર

સુરત સહિત ગુજરાતની 182 વિધાનસભા બેઠક માટે ભાજપ સત્તાવાર યાદી જાહેર કરે તે પહેલાં સોશિયલ મિડિયામાં સુરત વિસ્તારના 11 વિધાનસભાના નામો ફરતાં થઈ ગયા છે. કોઈ પણ સત્તાવાર યાદી ન હોવા છતાં સોશિયલ મીડિયામાં ફરતી થયેલી યાદીને કારણે દાવેદારો અને ટેકેદારોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ થઈ રહ્યો છે. સોશ્યલ મીડિયામાં જે યાદી ફરે છે તેમાં સુરતની 12 પૈકી એક માત્ર કતારગામ બેઠક પર ઉમેદવાર નક્કી નથી થયાં જ્યારે પાંચ વિધાનસભામાંથી વર્તમાન ધારાસભ્યની ટિકિટ કપાઈ છે તેવું કહેવાય રહ્યું છે આવી  બિન સત્તાવાર યાદીના કારણે સુરતના રાજકારણમાં ગરમાટો આવી રહ્યો છે. 

ગુજરાત વિધાનસભાની બેઠક માટે સુરતની બાર બેઠક માટે ભાજપના ઉમેદવારના નામ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક બાદ પણ જાહેર કરાયા નથી. સુરત સહિત અનેક બેઠકો પર ઉમેદવાર માટે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બાદ મામલો દિલ્હી પહોંચ્યો છે. દિલ્હીથી ઉમેદવારોના નામ ફાઈનલ થાય તે પહેલાં જ સોશ્યલ મિડિયામાં સુરતની 11 વિધાનસભા માટે નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. બિન સત્તાવાર યાદી  સુરતના રાજકારણમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે.

સોશિયલ મિડિયા પર જે યાદી ફરી રહી છે જેમાં સૌથી વધુ વિવાદ છે તેવા લિંબાયત, પુર્વ અને ઓલપાડ બેઠક પરથી વર્તમાન ધારાસભ્યને રિપીટ કરવામા આવી રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. જ્યારે ઉધના બેઠક પરથી વિવેદ પટેલને બદલે પૂર્વ કલેકટર મહેન્દ્ર પટેલ, ચોર્યાસીમાં ઝંખના પટેલને બદલે જિલ્લા ભાજપ  પ્રમુખ સંદિપ દેસાઈ, કામરેજમાં વી ડી ઝાલાવાડિયાને બદલે જનક બગદાણાવાળા, સુરત પશ્ચિમમાં મંત્રી પુર્ણેશ મોદીની જગ્યાએ મેયર હેમાલી બોઘાવાલા અને વરાછામાં કુમાર કાનાણીને બદલે દિનેશ નાવડિયા અથવા પ્રતાપ જીરાવાલાના નામ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત સોશ્યલ મિડિયામા એવું પણ ચાલી રહ્યું છે કે, કોંગ્રેસે કતારગામમાં ઓબીસી કાર્ડ રમ્યું છે અને આપે હજી ઉમેદવાર જાહેર કર્યા નથી તેથી કતારગામ વિધાનસભા બેઠક અંગે કોઈ નિર્ણય કરાયો નથી. 

બિન સત્તાવાર રીતે ફરતી આ યાદીના કારણે જે વર્તમાન સભ્યના નામ કપાયા છે તે અને જે દાવેદારો હતા તેમના નામ નથી આવ્યા તે અને તેમના ટેકેદારોમાં ભારે ઉચાટ જોવા મળી રહ્યો છે. બધા જાણે છે કે ભાજપની યાદી દિલ્હીથી જાહેર થશે અને આ ફરતાં થયેલા નામો નહી હોય અને કોઈ જગ્યાએ સ્કાઈલેબ પણ આવી શકે તેમ છે. તેમ છતાં ટેકેદારોનું ટેન્શન વધી રહ્યું છે. તો બીજી તરફ નામ જાહેર થયું છે તેમના ટેકેદારો હાલ પુરતા ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે. જોકે, આગામી બે ત્રણ દિવસમાં ભાજપ દ્વારા સત્તાવાર યાદી જાહેર કરવામા આવશે ત્યારે ખબર પડશે કે સોશ્યલ મિડિયામા સુરતના ઉમેદવારો અંગે ચાલતી અટકળ કેટલી સાચી અને કેટલી ખોટી હતી.