×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગરીબ સવર્ણોને 10 ટકા અનામતની સુપ્રીમની લીલી ઝંડી


- ગુજરાતમાં ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારની તરફેણમાં સુપ્રીમ કોર્ટનો 3-2થી ચુકાદો

- પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચમાંથી ત્રણ ન્યાયાધીશ આર્થિક આધારે અનામતના સરકારના નિર્ણયની તરફેણમાં, બે ન્યાયાધીશ વિરોધમાં રહ્યા

નવી દિલ્હી : આર્થિક આધારે ૧૦ ટકા અનામત મામલે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની મોટી જીત થઇ હતી. સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બંધારણીય બેંચમાંથી ત્રણ જજોએ આ અનામતને યોગ્ય ઠેરવી હતી જ્યારે મુખ્ય ન્યાયાધીશ સહિતના બે ન્યાયાધીશોએ આર્થિક આધારે અનામતને અયોગ્ય ઠેરવી હતી. જોકે બહુમત હોય તેને ચુકાદો માનવામાં આવે છે તેથી સુપ્રીમ કોર્ટે આર્થિક આધારે ૧૦ ટકા અનામતને લીલી ઝંડી આપી દીધી છે. કેન્દ્ર સરકારે આ અનામતનું સમર્થન કર્યું હતું. સુપ્રીમ કોર્ટના બહુમત સાથે અપાયેલા ચુકાદામાં કહ્યું છે કે આર્થિક આધારે અનામતથી બંધારણના મૂળ માળખા પર કોઇ જ અસર નથી થતી.

સુપ્રીમ કોર્ટના આ ચુકાદા મુજબ કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૯માં બંધારણમાં ૧૦૩મો સુધારો કરીને આર્થિક આધારે નબળા વર્ગના લોકોને શિક્ષણ અને સરકારી નોકરીમાં ૧૦ ટકા અનામત આપી છે તેનાથી બંધારણનું કોઇ જ ઉલ્લંઘન નથી થઇ રહ્યું. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ યૂયૂ લલિત, ન્યાયાધીશ જેબી પારડીવાલા, ન્યાયાધીશ દિનેશ માહેશ્વરી, ન્યાયાધીશ બેલા એમ ત્રિવેદી, એસ રવીંદ્ર ભટ દ્વારા આ સમગ્ર મામલાની સુનાવણી કરવામાં આવી હતી. 

પાંચમાંથી ત્રણ ન્યાયાધીશ દિનેશ માહેશ્વરી, બેલા એમ ત્રિવેદી, જેબી પારડીવાલાએ આર્થિક આધારે નબળા વર્ગને ૧૦ ટકા અનામતનું સમર્થન કર્યું હતું અને સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. જ્યારે મુખ્ય ન્યાયાધીશ યૂયૂ લલિત, ન્યાયાધીશ એસ રવીંદ્ર ભટે સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આર્થિક આધારે અનામતથી બંધારણના મૂળ માળખાનું ઉલ્લંઘન થાય છે. બાદમાં બહુમતને માન્ય રાખીને સરકારની તરફેણમાં ચુકાદો અપાયો હતો.

સરકારની તરફેણમાં અપાયેલા ચુકાદામાં જણાવવામાં આવ્યું છે કે આર્થિક આધારે અપાયેલી આ અનામતથી ઓબીસી, એસસી, એસટીને મળીને અપાયેલી ૫૦ ટકા અનામતના મૂળ ક્વોટા પર કોઇ જ અસર નથી થતી. ગરીબ સવર્ણ વર્ગના લોકોને પણ સમાજમાં બરાબરી સુધી લાવવા માટે સકારાત્મક કાર્યવાહીના ભાગરૂપે આ સંશોધન જરૂરી હતું. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદેથી યૂયૂ લલિત આઠમી તારીખે નિવૃત્ત થવા જઇ રહ્યા છે તે પૂર્વે જ આ મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. જોકે મુખ્ય ન્યાયાધીશ યૂયૂ લલિત આર્થિક આધારે સવર્ણોને ૧૦ ટકા અનામતના વિરોધમાં હતા. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે આ ચુકાદો એવા સમયે આપ્યો છે જ્યારે હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તેથી આ ચુકાદાથી ચૂંટણીઓ પર પણ અસર થઇ શકે છે. 

આર્થિક આધારે અનામતના સમર્થનમાં 

આર્થિક આધારે અનામત આપવાથી ઓબીસી, એસસી, એસટીના ૫૦ ટકા અનામત ક્વોટા પર અસર નહીં

આર્થિક આધારે અનામતના તરફેણમાં સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયાધીશે ચુકાદો આપ્યો હતો. જે દરમિયાન ન્યાયાધીશ દિનેશ માહેશ્વરીએ કહ્યું હતું કે આર્થિક આધારે અનામત આપવાથી બંધારણના મૂળ માળખાને કોઇ જ અસર નથી થતી. 

જ્યારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બેલા એમ ત્રિવેદીએ પણ આર્થિક આધારે અનામતને યોગ્ય ઠેરવી હતી. તેમણે કહ્યું હતું કે હું ન્યાયાધીશ માહેશ્વરી સાથે સહમત છું, સામાન્ય વર્ગમાં આર્થિક આધારે અનામત કોટા કાયદેસર અને બંધારણીય છે. 

સુપ્રીમના ન્યાયાધીશ જેબી પારડીવાલાએ પણ આર્થિક આધારે અનામત આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવતા કહ્યું હતું કે મને આમા કઇ જ વાંધાજનક નથી જણાતું. હું ન્યાયાધીશ માહેશ્વરી અને ન્યાયાધીશ ત્રિવેદીના નિર્ણયના સમર્થનમાં છું. સાથે તેમણે એમ પણ કહ્યું કે આર્થિક આધારે અનામતના ક્વોટાને અનિશ્ચિતકાળ સુધી ન વધારી શકાય.

સુપ્રીમ કોર્ટના બહુમતી ચુકાદાએ પોતાના અવલકોનમાં નોંધ્યું હતું કે એસસી, એસટી, ઓબીસી સિવાયના વર્ગમાં પણ ગરીબો છે, તેમને આર્થિક આધારે અનામત આપવાથી સમાજમાં અસમાનતા દૂર થશે. તેથી કેન્દ્ર સરકારનો નિર્ણય યોગ્ય છે અને તેનાથી બંધારણના મૂળભૂત માળખાને કોઇ જ અસર નથી થઇ રહી, આ નિર્ણય સંપૂર્ણપણે બંધારણીય છે.  

એસસી, એસટી, ઓબીસીના ગરીબો સાથે અન્યાય : લઘુમતી ચુકાદો

આર્થિક આધારે અનામત આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ કરીને દેશના મુખ્ય ન્યાયાધીશ યૂયૂ લલિતે સૌ કોઇને ચોંકાવી દીધા હતા. જ્યારે આ સમગ્ર મામલે બેંચની અંદર જ ચર્ચા ચાલી રહી હતી ત્યારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રવીંદ્ર ભટ્ટે કહ્યું હતું કે આર્થિક આધારે નબળા વર્ગને અનામત આપવાનો નિર્ણય ગેરબંધારણીય છે, તેનાથી બંધારણના મૂળભૂત માળખા પર અસર થાય છે. સાથે જ અનામતની મર્યાદા પણ પાર થઇ રહી છે. જો આર્થિક આધારે અનામત આપવી જ હોય તો તેમાં એસસી, એસટી, ઓબીસીનો પણ સમાવેશ કરવો જોઇએ. 

જોકે આ દરમિયાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ યૂયૂ લલિતે સૌ કોઇને ચોંકાવી દીધા હતા. સીજેઆઇ યૂયૂ લલિતે કહ્યું હતું કે હું ન્યાયાધીશ રવીંદ્ર ભટની વાત સાથે સહમત છું અને આર્થિક આધારે અનામતનો વિરોધ કરુ છું. તેથી પાંચમાંથી સીજેઆઇ સહીત બે ન્યાયાધીશ દ્વારા આર્થિક આધારે અનામતનો વિરોધ કરવામાં આવ્યો હતો. દરમિયાન જ્યારે ચર્ચા ચાલી રહી હતી ત્યારે લઘુમતી ચુકાદામાં ન્યાયાધીશોએ એમ પણ કહ્યું હતું કે દેશમાં સૌથી વધુ ગરીબો એસસી, એસટી, ઓબીસીમાં જ છે, આર્થિક આધારે અનામતથી તેમની સાથે અન્યાય થશે. જોકે પાંચમાંથી બે જજો વિરોધમાં હોવાથી લઘુમતી ચુકાદાને માન્ય ન રાખી શકાય. 

આઝાદીના આટલા વર્ષો બાદ પણ અનામતની જરૂર કેમ? 

કાયમ માટે અનામત ચાલુ ન રાખી શકાય : સુપ્રીમના ન્યાયાધીશ

- જાતિ-વર્ગ નાબૂદી તરફ સમાજને લઇ જવાની જરૂર, શિક્ષણ-વિકાસથી તે શક્ય હોવાનો અભિપ્રાય 

સુપ્રીમ કોર્ટમાં જ્યારે આર્થિક આધારે અનામત પર પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચ ચર્ચા કરી રહી હતી ત્યારે ન્યાયાધીશોએ એમ પણ કહ્યું હતું કે અનામત કાયમ માટે ન રહેવી જોઇએ. 

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બેલા એમ ત્રિવેદીએ ચૂકાદામાં નોંધ્યું હતું કે આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ અનામત ચાલી આવે છે. હવે સમય આવી ગયો છે કે અનામત અંગે ફરી વિચારણા કરવામાં આવે. સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયાધીશોએ આર્થિક આધારે અનામતની તરફેણમાં ચુકાદો જરૂર આપ્યો હતો પણ તેમાંથી બે ન્યાયાધીશ બેલા એમ ત્રિવેદી અને જેબી પારડીવાલાએ અનામતના સમયગાળા પર સવાલ જરૂર ઉઠાવ્યા હતા. 

જ્યારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જેબી પારડીવાલાએ જણાવ્યું હતું કે અનામત કાયમ માટે ન રાખી શકાય નહીં તો તેનું મહત્વ નહીં રહે. અનામત કાયમ માટે નહીં પણ સામાજિક અને આર્થિક સમાનતા માટે છે. ખરેખર સાચુ સમાધાન તો જે પણ સમાજની સમસ્યાઓ છે તેને દૂર કરવામાં રહેલું છે. યોગ્ય શિક્ષણ અને વિકાસથી જે પણ સામાજિક અને આર્થિક ખાઇ છે તેને દૂર કરવામાં મદદ મળી રહેશે.