×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

EWS અનામત પર આજે સુપ્રીમ કોર્ટમાં આવી શકે છે મહત્વનો ચુકાદો


- મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બંધારણીય બેંચ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવશે

નવી દિલ્હી, તા. 07 નવેમ્બર 2022, સોમવાર

આર્થિક રીતે નબળા વર્ગો (EWS)ને પ્રવેશ અને સરકારી નોકરીઓમાં 10% અનામત પ્રદાન કરવાના 103મા બંધારણીય સુધારાની માન્યતાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે. EWS ક્વોટાની માન્યતાને પડકારતી 30થી વધુ અરજીઓની સુનાવણી બાદ કોર્ટે 27 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બંધારણીય બેંચ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવશે.

સર્વોચ્ચ અદાલતે તત્કાલિન એટર્ની જનરલ કેકે વેણુગોપાલ અને સોલિસિટર જનરલ તુષાર મહેતા સહિત વરિષ્ઠ વકીલોની દલીલો સાંભળ્યા બાદ 27 સપ્ટેમ્બરે કાયદાકીય પ્રશ્ન પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો કે, શું EWS અનામત બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરે છે. શિક્ષણવિદ મોહન ગોપાલે 13 સપ્ટેમ્બરના રોજ બેંચ સમક્ષ આ મામલે દલીલ કરી હતી અને EWS ક્વોટા સુધારાનો વિરોધ કર્યો હતો.

બેંચમાં જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલા પણ સામેલ હતા. તમિલનાડુ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ શેખર નાફડેએ EWS ક્વોટાનો વિરોધ કરતા કહ્યું હતું કે, આર્થિક માપદંડ વર્ગીકરણ માટેનો આધાર ન હોઈ શકે અને સર્વોચ્ચ અદાલતે ઈન્દિરા સાહનીના ચુકાદા પર પુનર્વિચાર કરવો પડશે જો તે આ અનામત જાળવી રાખવાનો નિર્ણય કરશે.

બીજી તરફ તત્કાલીન એટર્ની જનરલ અને સોલિસિટર જનરલે સુધારાનો મજબૂત બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે, આના હેઠળ આપવામાં આવેલ આરક્ષણ અલગ હતું અને સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો (SEBCs) માટેના 50% ક્વોટા સાથે ચેડા કર્યા વિના આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેથી સુધારેલી જોગવાઈ બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરતી નથી.

બીજી તરફ સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, EWS વિભાગને સમાનતાનો દરજ્જો આપવા માટે આ સિસ્ટમ જરૂરી છે. કેન્દ્ર સરકાર વતી એવું કહેવામાં આવ્યું હતું કે, આ સિસ્ટમને કારણે અનામતની બહાર રહેલા અન્ય વર્ગને કોઈ નુકસાન નથી. વળી, જે 50 ટકા મર્યાદા કહેવામાં આવી રહી છે તે બંધારણીય વ્યવસ્થા નથી, તે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી આવી છે તેથી એવું નથી કે તેનાથી આગળ અનામત આપી શકાય નહીં.