×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ટ્વિટરને દરરોજ 32 કરોડનું નુકસાન, છટણી સિવાય છૂટકો નથી : ઈલોન મસ્ક


- ટ્વિટર આખી દુનિયામાં જુઠ્ઠાણા ઓકે છે : પ્રમુખ બાઈડેન મસ્ક પર ભડક્યા

- છૂટા કરાયેલા કર્મચારીઓને ૩ મહિનાનો પગાર ઓફર કરાયાનો મસ્કનો દાવો, ભારતમાં અપાશે કે નહીં તે સ્પષ્ટ નથી

- જૂન 2022 ત્રિમાસિકમાં કંપનીનું 27 કરોડ ડોલરનું નુકસાન, એક્ટિવિસ્ટોના કારણે કંપની ખાડામાં ગઈ : મસ્ક

વોશિંગ્ટન : ટ્વિટરના નવા બોસ ઈલોન મસ્ક કંપની પર કબજો જમાવ્યા પછી એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે. આ શ્રેણીમાં ઈલોન મસ્કે શુક્રવારથી વૈશ્વિક સ્તરે કંપનીમાંથી એક જ ઝાટકે ૫૦ ટકા કર્મચારીઓની છટણી શરૂ કરી હતી. આ અંગે વિવાદ વધતાં શનિવારે મસ્કે છટણીના નિર્ણયનો બચાવ કર્યો હતો. મસ્કે ટ્વીટ કરીને કહ્યું કે, છટણીનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ છે. પરંતુ કંપનીને દરરોજ ૪ મિલિયન (અંદાજે રૂ. ૩૨,૭૭,૯૫,૮૦૦)થી વધુનું નુકસાન થઈ રહ્યું છે. તેથી છટણી કર્યા સિવાય છૂટકો નથી.

ઈલોન મસ્કે કહ્યું કે કંપનીને થઈ રહેલા નુકસાનને ધ્યાનમાં લઈને તેમની પાસે વ્યાપક  સ્તરે કર્મચારીઓને છૂટા કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તેમણે એમ પણ કહ્યું કે, જે લોકોની છટણી કરાઈ છે તેમને ત્રણ મહિનાનો પગાર ઓફર કરાયો છે, જે કાયદાકીય રૂપે જરૂરી પગાર કરતાં ૫૦ ટકા વધુ છે. કાયદાકીય રીતે કોઈપણ કર્મચારીને નોકરીમાંથી કાઢવાની સ્થિતિમાં બે મહિનાનો પગાર આપવાનો હોય છે. ટ્વિટરે જૂન ૨૦૨૨ના બીજા ત્રિમાસિકના અંતે ૨૭૦ યુએસ ડોલરનું ચોખ્ખુ નુકસાન નોંધાવ્યું હતું, જ્યારે કંપનીએ એક વર્ષ અગાઉ સમાન સમયમાં ૬૬ મિલિયન ડોલરનો નફો કર્યો હતો. 

ટ્વિટરે ભારતમાં કામ કરી રહેલા તેના મોટાભાગના કર્મચારીઓને પાણીચુ પકડાવી દીધું છે. કંપનીએ ભારતમાં કેટલાક વિભાગોમાં આખી ટીમને જ કાઢી મૂકી છે, જેમાં સેલ્સ, માર્કેટિંગ અને કન્ટેન્ટ ક્યુરેશન જેવા વિભાગોનો સમાવેશ થાય છે. જોકે, ભારતીય કર્મચારીઓને ત્રણ મહિનાનો પગાર ઓફર થયો છે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.

વધુમાં ઈલોન મસ્કે ટ્વિટરની આવકમાં થયેલા ઘટાડા અને કંપનીને થઈ રહેલા ભારે નુકસાન માટે એક્ટિવિસ્ટ ગૂ્રપ પર ઠીકરું ફોડયું છે. મસ્કે ટ્વીટ કરીને કહ્યું હતું કે, એક્ટિવિસ્ટ ગૂ્રપ્સે ટ્વિટરને જાહેરાત આપનારાઓ પર પણ દબાણ કર્યું હતું. તેનાથી કંપનીની આવકમાં ભારે ઘટાડો થયો હતો. મસ્કે એમ પણ કહ્યું કે અમે એક્ટિવિસ્ટ ગૂ્રપ્સને ખુશ કરવા માટે બધું જ કર્યું. કન્ટેન્ટના નિરીક્ષણથી પણ કશું જ બદલાયું નહીં.

દરમિયાન અમેરિકામાં ટ્વિટરના કેટલાક કર્મચારીઓએ કંપની પર ફેડરલ અને કેલિફોર્નિયા વર્કર એડજસ્ટમેન્ટ એન્ડ રીટ્રેઈનિંગ નોટિફિકેશન એક્ટ (વોર્ન એક્ટ)ના ભંગનો આક્ષેપ કરતાં કેસ ઠોકી દીધો છે. વોર્ન એક્ટ મુજબ ૧૦૦થી વધુ કર્મચારીઓ ધરાવતા એમ્પ્લોયરે રોજગારીની એક જ સ્થળેથી ૫૦થી વધુ કર્મચારીઓની સામૂહિક હકાલપટ્ટી કરતા પહેલાં ૬૦ દિવસ અગાઉ નોટિસ આપવી પડે છે. કંપની સામે કેસ કરનાર એટર્ની શેનોન લિસ-રિઓર્ડને કહ્યું કે, દુનિયાના સૌથી ધનિક ઈલોન મસ્કે સ્પષ્ટ કહ્યું છે કે તેનું માનવું છે કે ફેડરલ શ્રમ કાયદા 'તુચ્છ' છે. દરમિયાન અમેરિકામાં આગામી સપ્તાહે મધ્યવર્તી ચૂંટણીઓ થવાની છે તેવા સમયે ટ્વિટરમાં સામૂહિક છટણીથી અમેરિકન પ્રમુખ જો બાઈડેન ગુસ્સે ભરાયા છે. તેમણે સામૂહિક છટણી મુદ્દે ઈલોન મસ્કની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, દુનિયાના સૌથી અમીર વ્યક્તિએ એક એવી કંપની ખરીદી છે, જે આખી દુનિયામાં જુઠ્ઠાણા ફેલાવે છે. આપણે કેવી રીતે આશા રાખી શકીએ કે બાળકો એ સમજી શકશે કે શું દાવ પર લાગ્યું છે?

ઈલોન મસ્કના નામે ભોજપુરી ગીત ટ્વીટ કરનાર ઈયાન વૂલફોર્ડનું એકાઉન્ટ સસ્પેન્ડ

ટ્વિટરમાંથી વૈશ્વિક સ્તરે છટણી કરવા બદલ દુનિયાનો સૌથી ધનિક ઈલોન મસ્ક ચર્ચામાં છે. આવા સમયે ઈલોન મસ્કના નામે એક ટ્વિટર એકાઉન્ટ પરથી હિન્દી અને ભોજપુરીમાં ટ્વીટ કરવામાં આવતાં મસ્કનું એકાઉન્ટ હેક થઈ ગયું હોવાનો વૈશ્વિક સ્તરે આભાસ ઊભો થયો હતો અને આ બાબત ચર્ચાસ્પદ બની હતી. ટ્વિટરમાંથી વૈશ્વિક સ્તરે છટણી થઈ રહી છે તેવા સમયે ઓસ્ટ્રેલિયામાંથી ઈયાન વુલફોર્ડ નામના એક હિન્દી પ્રોફેસરે હિન્દી અને ભોજપુરી ભાષામાં અનેક ટ્વીટ કરી હતી. શનિવારે 'ઈલોન મસ્ક'ની ટ્વીટની ભાષા ચર્ચાનો વિષય બની હતી. ટ્વિટર યુઝર આઈએવૂલફોર્ડે તેના એકાઉન્ટનું નામ બદલીને ઈલોન મસ્ક કરી દીધું હતું અને પ્રોફાઈલ અને કલર ફોટો પણ બદલીને એવી તસવીર મૂકી હતી, જે મસ્કના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર છે. આ એકાઉન્ટ વેરિફાઈ હોવાથી શરૂઆતમાં લોકોને એમ જ લાગ્યું હતું કે મસ્કનું એકાઉન્ટ હેક થઈ ગયું છે. હકીકતમાં ઈયાન વુલફોર્ડ સતત મસ્કના નામથી હિન્દી અને ભોજપુરીમાં ટ્વીટ કરી રહ્યા હતા. તેમણે મસ્કની મજાક ઉડાવતા આ ટ્વીટ કરી હતી. તેમણે ભોજપુરીમાં એક ટ્વીટ કરી 'કમરિયા કરે લપાલપ, લોલીપોપ લાગેલૂ'. મસ્કના એકાઉન્ટ પર આ ટ્વીટ જોઈને લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા અને તેમને પણ મઝા પડી ગઈ. ખાસ વાત તો એ રહી કે 'કમરિયા...' વાળી ટ્વીટ પર ભોજપુરી ગાયક પવનસિંહે પણ ટ્વીટ કરી. ત્યાર પછી ઈયાન વૂલફોર્ડે શાહરૂખનો એક ડાયલોગ ટ્વીટ કર્યો, 'બડે બડે દેશો મેં એસી છોટી-છોટી બાતે હોતી રહેતી હૈ... હૈ ના.' અન્ય એક ટ્વીટમાં તેણે લખ્યું 'ટ્વિટર તેરે ટૂકડે હોંગે, ગેંગ કો ભી દેને પડેંગે ૮ ડોલર'. થોડોક સમય ઈલોન મસ્કાના નામે વૂલફોર્ડની આ ટ્વીટ્સ ચાલતી રહી અને સોશિયલ મીડિયામાં લોકો મઝા લેતા રહ્યા. જોકે, સાંજ સુધીમાં ટ્વિટરે આ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું.