×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'જન ગણ મન' અને 'વંદે માતરમ્'ને સમાન આદર મળવો જોઈએ


- દિલ્હી હાઈકોર્ટમાં દાખલ અરજી પર કેન્દ્રનો જવાબ

- 'જન ગણ મન'માં રાષ્ટ્રની ભાવના સામે આવે છે જ્યારે 'વંદે માતરમ્'માં રાષ્ટ્રનું ચરિત્ર, જીવનશૈલીની અભિવ્યક્તિ થાય છે

- આઝાદી પહેલાં વંદે માતરમ્ ગાવા પર અંગ્રેજોએ પ્રતિબંધ મૂક્યો હતો, કોંગ્રેસના સત્રોમાં પણ વંદે માતરમ્ ગવાતું હતું : અશ્વિની ઉપાધ્યાય

- રાષ્ટ્ર ગાન અંગે કાયદો, નિયમો, દિશા-નિર્દેશો છે, રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્' અંગે નહીં : કેન્દ્ર સરકાર

નવી દિલ્હી : રાષ્ટ્રગીત 'જન ગણ મન' અને રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્'નો દરજ્જો એક સમાન છે અને નાગરિકોએ બંનેને સમાન સન્માન આપવું જોઈએ તેમ કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં જણાવ્યું છે. દિલ્હી હાઈકોર્ટમાં દાખલ થયેલી એક પીઆઈએલમાં માગણી કરાઈ હતી કે વંદે માતરમ્ને પણ એ જ દરજ્જો અને સન્માન મળવા જોઈએ જે રાષ્ટ્ર ગીતને અપાય છે. આ સિવાય રાષ્ટ્રીય ગીતના સન્માન અંગે માર્ગદર્શિકા તૈયાર કરવાની પણ પીઆઈએલમાં માગણી કરવામાં આવી છે.

દિલ્હી હાઈકોર્ટે પીઆઈએલના સંદર્ભમાં ગૃહમંત્રાલય, શિક્ષણ મંત્રાલય, સંસ્કૃતિ મંત્રાલય અને કાયદા મંત્રાલયને નોટિસ પાઠવીને જવાબ માગ્યો હતો. આ અરજીમાં એવી પણ માગણી કરાઈ હતી કે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આદેશ આપવામાં આવે કે તેઓ નિશ્ચિત કરે કે કામકાજના દરેક દિવસોમાં સ્કૂલો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં જન ગણ મન અને વંદે માતરમ્ ગાવામાં આવે. 

અરજદાર અશ્વિની ઉપાધ્યાયની પીઆઈએલના જવાબમાં ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્' ભારતના લોકોની ભાવનાઓ અને માનસમાં અનોખું અને વિશેષ સ્થાન ધરાવે છે. ગૃહમંત્રાલયે ઉમેર્યું હતું કે, રાષ્ટ્ર ગાન 'જન ગણ મન'ના ગાનને રોકવું અથવા આ પ્રકારના ગાન સમયે કોઈપણ સભામાં ગડબડ પેદા કરવાના કૃત્યને રાષ્ટ્રીય સન્માનના અપમાનની રોકથામ કાયદા, ૧૯૭૧ હેઠળ દંડનીય ગૂનો બનાવાયું છે. વધુમાં રાષ્ટ્ર ગાન 'જન ગણ મન' ચોક્કસ પરિસ્થિતિઓમાં જ ગાઈ શકાય છે અને તે અંગે નિર્દેશો જાહેર કરાયેલા છે. 

જોકે, રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્'ની બાબતમાં સરકાર દ્વારા આ પ્રકારની કોઈ જોગવાઈ કરાઈ નથી અને કોઈ નિર્દેશ જાહેર કરાયા નથી કે કઈ પરિસ્થિતિઓમાં રાષ્ટ્રીય ગીત ગાઈ અથવા વગાડી શકાય છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્ર ગાન, રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્ર ધ્વજને પ્રોત્સાહન આપવા અને પ્રચાર કરવા માટે એક રાષ્ટ્રીય નીતિ તૈયાર કરવાના સંબંધમાં ઉપાધ્યાયના કેસમાં સુપ્રીમ કોર્ટનો ૨૦૧૭નો ચૂકાદો ટાંક્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી રાષ્ટ્રીય ગીતને સંબંધ છે, અમારો કોઈપણ ચર્ચામાં પ્રવેશ કરવાનો કોઈ ઈરાદો નથી. કેન્દ્ર સરકારે કહ્યું કે, રાષ્ટ્ર ગાન અને રાષ્ટ્રીય ગીત બંનેની તેમની પવિત્રતા છે અને સમાન સન્માનને પાત્ર છે. જોકે, વર્તમાન કાર્યવાહીના વિષયમાં તે હાઈકોર્ટની રીટ માગવાનો વિષય હોઈ શકે નહીં.

અરજદાર અશ્વિનીકુમાર ઉપાધ્યાયે કહ્યું કે આ સિવાય બંધારણ સભામાં ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ પસાર કરવામાં આવેલા પ્રસ્તાવ મુજબ બંનેને એક સમાન સન્માન અપાય તે માટે માર્ગદર્શિકા નિશ્ચિત કરવામાં આવે. ભારત રાજ્યોનો સંઘ છે. તે ફેડરેશન નથી. તેમણે કહ્યું કે આપણી એક જ રાષ્ટ્રીયતા છે અને તે ભારતીયતા છે. આપણા બધાની જવાબદારી છે કે વંદે માતરમ્નું સન્માન કરીએ.

ઉપાધ્યાયે કહ્યું કે દેશને એક રાખવા માટે સરકારની જવાબદારી છે કે તે એક રાષ્ટ્રીય નીતિ તૈયાર કરે, જેથી જન ગણ મન અને વંદે માતરમ્નું સન્માન કરવામાં આવે. અરજદારે કહ્યું કે એ વાત સમજી શકાય તેમ નથી કે બંને ગીતોને બંધારણ ઘડનારાઓએ પસંદ કર્યા હતા તો કેવી રીતે વંદે માતરમ્થી કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે જન ગણ મનમાં રાષ્ટ્રની ભાવના સામે આવે છે જ્યારે વંદે માતરમ્માં રાષ્ટ્રનું ચરિત્ર, તેની જીવનશૈલીની અભિવ્યક્તિ થાય છે. દરેક ભારતીય વંદે માતરમ્નું સન્માન કરે તે જરૂરી છે. કોઈ વંદે માતરમ્ ગાવાનો ઈનકાર કરે તેવું ન થવું જોઈએ. 

અશ્વિની ઉપાધ્યાયે અરજીમાં કહ્યું, વંદે માતરમ્ આખા દેશનો વિચાર હતો. આઝાદીના આંદોલનની તે અભિવ્યક્તિ હતું. શહેર-શહેરમાં થનારી રેલીઓમાં વંદે માતરમ્નો જયઘોષ થતો હતો. એક સમયે અંગ્રેજોએ વંદે માતરમ્ના જય ઘોષથી ડરીને તેના પર પ્રતિબંધ મૂકી દીધો હતો. એટલું જ નહીં તેનો ભંગ કરવા બદલ ક્રાંતિકારીઓને જેલમાં નાંખી દેવામાં આવતા હતા. અરજીમાં કહેવાયું છે કે, રવિન્દ્રનાથ ટાગોરે ૧૮૯૬માં કલક્તામાં કોંગ્રેસના સત્રમાં વંદે માતરમ્ ગાયું હતું. ત્યાર પછી ૧૯૦૧માં કોંગ્રેસના સત્રમાં દક્ષિણ ચરણ સેને પણ વંદે માતરમ્ ગાયું હતું. એટલું જ નહીં ૧૯૦૫માં ફરી એક વખત બનારસમાં આયોજિત કોંગ્રેસના સત્રમાં સરલા દેવીએ વંદે માતરમ્ ગાયું હતું. લાલા લાજપત રાયે લાહોરથી આ નામથી અખબાર પણ પ્રકાશિત કર્યું હતું.

ટાગોરે બે દેશોના રાષ્ટ્ર ગાન લખ્યા, ત્રીજા પર પ્રભાવ

મહાન કવિ રવિન્દ્રનાથ ટાગોરે ભારત અને બાંગ્લાદેશ બે દેશોના રાષ્ટ્ર ગાન લખ્યા છે જ્યારે ત્રીજા દેશ શ્રીલંકાના રાષ્ટ્રગાનના શબ્દો અને સંગીત પર તેમનો પ્રભાવ જોવા મળે છે. ટાગોર વિશ્વમાં એકમાત્ર એવા કવિ છે, જેમના ગીતો ત્રણ દેશોના રાષ્ટ્ર ગાન બન્યા છે. રવિન્દ્રનાથ ટાગોરે ૧૯૧૧માં 'જન ગણ મન' નામનું એક ગીત લખ્યું હતું, જે કોંગ્રેસના સત્રમાં ગવાયું હતું. પાછળથી દેશ આઝાદ થયો ત્યારે આ ગીતને રાષ્ટ્ર ગાનનો દરજ્જો અપાયો હતો. એ જ રીતે રવિન્દ્રનાથ ટાગોરે ૧૯૦૫માં બંગાળના વિભાજન સમયે માતૃભૂમિ બંગાળ માટે 'અમાર સોનાર બાંગ્લા' ગીત લખ્યું હતું. બાંગ્લાદેશ પાકિસ્તાનમાંથી અલગ થઈ સ્વતંત્ર થયું ત્યારે ૧૯૭૧માં તેણે આ ગીતની પહેલી ૧૦ લાઈનને તેના રાષ્ટ્ર ગાન તરીકે સ્વીકાર્યું હતું. એ જ રીતે આનંદ સમરકૂને ૧૯૩૯-૪૦માં  તેઓ વિશ્વ-ભારતી યુનિવર્સિટીમાં ટાગોરના શિષ્ય હતા ત્યારે ટાગોરની કવિતા પરથી પ્રેરણા લઈ એક ગીત લખ્યું હતું. અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયા પછી શ્રીલંકાએ આ ગીતને રાષ્ટ્ર ગાનનો દરજ્જો આપ્યો હતો.