×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતની ચૂંટણી હવે ગમે ત્યારે જાહેર થશે, તંત્ર તૈયાર


અમદાવાદ, તા. 2 નવેમ્બર 2022 બુધવાર

ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણીની જાહેરાતનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. કેન્દ્રના ચૂંટણી પંચે તૈયારી શરૂ કરી દીધી છે. એક અખબારના અહેવાલ અનુસાર આવતીકાલે એટલે કે તા.૩ ના રોજ જાહેર થવાની શક્યતા છે. બીજી તરફ, રાજ્ય સરકારને પોતાના તરફથી તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે અને કર્મચારીઓની રજા ઉપર ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ ફરમાવી દીધો છે.

રાજકોટના પોલીસ કમિશનરે મંગળવારે એક પરિપત્ર જાહેર કરી રાજકોટ શહેર પોલીસની તમામ રજા ઉપર પ્રતિબંધની જાહેરાત કરી છે.

ગુજરાત વિધાનસભાની મુદ્દત ફેબ્રુઆરીમાં પૂર્ણ થઈ રહી છે પણ વર્ષ ૨૦૦૨થી દર વખતે ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે છે.


ગુજરાતની સાથે જ છેલ્લા ત્રણ વખતથી હિમાચલ પ્રદેશની ચૂંટણી પણ યોજાતી આવે છે. જોકે, આ વખતે હિમાચલની ચુંટણીની જાહેરાત અને પ્રક્રિયા બન્ને શરૂ થઈ ગઈ છે. ૬૮ સભ્યોની આ ચૂંટણી માટે મતદાન તા.૧૨ નવેમ્બરના થશે પણ મતની ગણતરી તા.૮ ડિસેમ્બરના રોજ થવાની છે.

કેન્દ્રીય ચૂંટણી પંચ ધારે તો હિમાચલ સાથે જ ગુજરાતની મતગણતરી પણ તા.૮ ડિસેમ્બરે કરી શકે એ પ્રકારે ગુજરાત માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી શકે છે. રાજકીય પક્ષોની પણ એવી ધારણા છે કે બન્ને ગણતરી સાથે થશે એટલે જ હિમાચલમાં મતદાન અને ગણતરી વચ્ચે ૨૭ દિવસ જેટલો સમયગાળો રાખવામાં આવ્યો છે.

છેલ્લા ૨૭ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ૨૦૧૭ની ચુંટણીમાં ૧૮૨ સભ્યોની ધારાસભામાં ભાજપે ૯૯ બેઠકો મેળવી હતી. આ વખતે ગુજરાતમાં ભાજપ સામે કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ આક્રમક રીતે પ્રચાર કરી રહી છે ત્યારે ત્રિપાંખિયો જંગ થવાનો છે.