SBIએ હોમ લોનના વ્યાજદરમાં 0.50 % નો વધારો કર્યો

SBIએ હોમ લોનના વ્યાજદરમાં 0.50 % નો વધારો કર્યો

નવી દિલ્હી, તા. 16 ઓગસ્ટ 2022 મંગળવાર

રિઝર્વ બેન્કે રેપો રેટમાં વધારો કર્યા બાદ હવે દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઈએ પણ પોતાના ગ્રાહકો પર લોનનો બોજ વધારી દીધો છે. બેન્કે બાહ્ય બેન્ચમાર્ક અને રેપો રેટ સાથે જોડાયેલી લોનના વ્યાજદરમાં 0.50 ટકાનો વધારો કરી દીધો છે.

હોમ અને ઓટો લોન સહિત બાહ્ય બેન્ચમાર્ક અને રેપો રેટ સાથે જોડાયેલી તમામ પ્રકારની લોનના વ્યાજદર 15 ઓગસ્ટથી વધી ગયા છે. આની સીધી અસર ગ્રાહકોના EMI પર પડશે. આના પહેલા મહિનાની શરૂઆતમાં રિઝર્વ બેન્કે પણ મોંઘવારી પર કાબૂ મેળવવા માટે રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કર્યો હતો. એસબીઆઈએ 15 ઓગસ્ટથી જ પોતાના એમસીએલઆરમાં પણ 0.20 ટકાની વૃદ્ધિ કરી છે.

એમસીએલઆરમાં વધારા બાદ એક વર્ષનો વ્યાજ દર 7.70 ટકા થઈ ગયો છે. જે પહેલા 7.50 ટકા હતો. આ રીતે બે વર્ષના એમસીએલઆર 7.9 ટકા અને ત્રણ વર્ષનો 8 ટકા થઈ ગયો છે. હજુ બેન્કની મોટાભાગની લોન એક વર્ષના એમસીએલઆર દર સાથે જોડાયેલા છે.

હવે વ્યાજદર કેટલુ?

એસબીઆઈએ 0.50 ટકાનો વધારો કર્યા બાદ બાહ્ય બેન્ચમાર્ક સાથે જોડાયેલી લોનનો વ્યાજદર એટલે કે EBLR વધીને 8.05 ટકા પહોંચી ગયુ છે જ્યારે રેપો રેટ RLLR સાથે જોડાયેલી લોનનુ વ્યાજદર 7.65 ટકા થઈ ગયુ છે. બેન્ક આના આધારે ક્રેડિડ રિસ્ક પ્રીમિયમ પણ લે છે. એટલે કે જો તમે હોમ કે ઓટો લોન લઈ રહ્યા છો તો આ વ્યાજદરમાં ક્રેડિટ રિસ્ક પ્રીમિયમ (CRP) પણ જોડાશે.

EMI કેટલો વધશે?

જો તમારી 30 લાખ રૂપિયાની હોમ લોન 7.8 ટકા વ્યાજદર પર 20 વર્ષ માટે ચાલી રહી છે તો વર્તમાન ઈએમઆઈ 24,721 રૂપિયા આવશે. આ પ્રકારે તમે સંપૂર્ણ સમયગાળામાં 29,33,060 રૂપિયા વ્યાજ તરીકે ચૂકવશો. હવે બેન્કે વ્યાજદર 0.50 ટકા વધાર્યો છે તો વ્યાજદર 8.30 ટકા થઈ જશે. હવે તમારો ઈએમઆઈ 25,656 રૂપિયા આવશે. એટલે કે દર મહિને તમારો ખર્ચ 935 રૂપિયા અને આખા વર્ષમાં 11,220 રૂપિયા વધી જશે. આ વ્યાજદર અનુસાર નવી હોમ લોન પર 31.57,490 રૂપિયા વ્યાજ તરીકે ચૂકવવા પડશે.

Share: