ભારતીયોને UK જનારી આ એરલાઈન્સમાં નહીં મળે બોર્ડિંગની મંજૂરી, શેંગેન વિઝા થયા ફરજિયાત

ભારતીયોને UK જનારી આ એરલાઈન્સમાં નહીં મળે બોર્ડિંગની મંજૂરી, શેંગેન વિઝા થયા ફરજિયાત


– બ્રેક્ઝિટ (Brexit) બાદ યુરોપિયન યુનિયનમાંથી બ્રિટન અલગ થયા બાદ EUએ મુસાફરો માટે કેટલાક પ્રતિબંધો લાગુ કર્યા 

નવી દિલ્હી, તા. 15 એપ્રિલ 2022, શુક્રવાર 

કોરોનાની ભયાનકતામાં ઘટાડો થયા બાદ હવે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ સામાન્ય થઈ રહી છે. જોકે UK જનારા ભારતીયોની મુશ્કેલીમાં હાલ કોઈ ઘટાડો નથી જોવા મળી રહ્યો. ભારતીય પેસેન્જર્સને UK જતી અમુક ફ્લાઈટ્સમાં અટકાવવામાં આવી રહ્યા છે. તેમને યુરોપિયન યુનિયનના શેંગેન ટ્રાન્ઝિટ વિઝા હોય તો જ ફ્લાઈટમાં બેસવા દેવામાં આવે છે. 

હકીકતે બ્રેક્ઝિટ (Brexit) બાદ યુરોપિયન યુનિયનમાંથી બ્રિટન અલગ થયા બાદ EUએ મુસાફરો માટે કેટલાક પ્રતિબંધો લાગુ કર્યા છે. તેના અંતર્ગત યુરોપીય દેશોની એ ફ્લાઈટ્સ જે યુરોપના અમુક શહેરોમાં હોલ્ટ લીધા બાદ બ્રિટન જાય છે તેમાં મુસાફરી કરનારા મુસાફરો પાસે ટ્રાન્ઝિટ કે નિયમિત શેંગેન વિઝા ફરજિયાત થઈ ગયા છે. 

આ ફ્લાઈટ્સના મુસાફરોને મુશ્કેલી

જો તમે બ્રિટિશ એરવેઝ કે અન્ય કોઈ એરલાઈન્સની ડાયરેક્ટ ફ્લાઈટ દ્વારા મુસાફરી કરી રહ્યા છો તો તમને કોઈ મુશ્કેલી નહીં પડે. પરંતુ જો તમે યુરોપીય સંઘ (EU)ની દિગ્ગજ એરલાઈન્સ જેમ કે, લુફ્થાંસા, એર ફ્રાંસ અને KLM દ્વારા UKની મુસાફરી ખેડી રહ્યા છો અને ફ્રૈંકફર્ટ કે મ્યુનિખ, પેરિસ અને એમ્સ્ટર્ડમમાં હોલ્ટ લેશો તો તમારા માટે શેંગેન વિઝા ફરજિયાત છે. વાયા સાઉદી અરબ, UAE કે તુર્કીની ફ્લાઈટ્સ પર કોઈ પ્રતિબંધ નહીં હોય. 

જાણો વિકલ્પ

યુરોપીય સંઘના સદસ્ય ન હોવાના પગલે સ્વિત્ઝરલેન્ડે પોતાની એરલાઈન સ્વિસ માટે આ નિયમમાંથી છૂટ આપી છે. મુસાફરો ભારતથી યુનાઈટેડ કિંગ્ડમ માટે વન-સ્ટોપ ફ્લાઈટ્સમાં ટ્રાન્ઝિટ વિઝા વગર ખાડી અને સ્વિત્ઝરલેન્ડ થઈને પસાર થઈ શકે છે. એર ઈન્ડિયા, વિસ્તારા, બ્રિટિશ એરવેઝ અને વર્જિન એટલાન્ટિકની નોનસ્ટોપ ફ્લાઈટ્સ પણ અન્ય વિકલ્પો છે. 

શું છે શેંગેન વિઝા

શેંગેન વિઝા એક શોર્ટ ટર્મ કે ટેમ્પરરી વિઝા છે જે તેના ધારકને સમગ્ર શેંગેન ક્ષેત્રમાં સ્વતંત્રરૂપે મુસાફરી કરવાની મંજૂરી આપે છે. તે 26 દેશો કે ‘શેંગેન રાજ્યો’ને તેમની વચ્ચે સીમા નિયંત્રણો વગર કવર કરે છે. શેંગેન રાજ્યોમાંથી કોઈ પણમાં 180 દિવસના સમયગાળા (શોર્ટ સ્ટે વિઝા)માં 90 દિવસોથી વધારે માટે નિયોજિત પ્રવાસ કરી શકાય છે. 

Share: