મોંઘવારીના માર વચ્ચે લોકો ઓછા મૂલ્યના ફૂડ-FMCG પેકેટ ખરીદવા લાગ્યા

મોંઘવારીના માર વચ્ચે લોકો ઓછા મૂલ્યના ફૂડ-FMCG પેકેટ ખરીદવા લાગ્યા


– મધ્યમ વર્ગની સ્થિતિ ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ જેવી, મર્યાદિત આવક વચ્ચે ઘર ખર્ચમાં તીવ્ર વધારો 

મુંબઇ,તા.29.માર્ચ.2022,મંગળવાર

ઇંધણ, ઘઉ, ખાદ્યતેલ સહિતની વિવિધ ખાદ્ય ચીજો, મેટલ સહિતની વિવિધ કોમોડિટીઓ મોંઘી થતા ફુગાવા પ્રેરિત ભાવવધારાની સ્થિતિ સર્જાઇ છે. આ સ્થિતિ વચ્ચે ગ્રાહકોએ રોજિંદા વપરાશની ચીજોના નાના કદના પેકેટ ખરીદવાનું શરૂ કર્યુ છે. આ ટ્રેન્ડ બંને શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળ્યો છે.

એક રિસર્ચ એજન્સીના આંકડા મુજબ ટ્રેક કરવામાં આવેલી છ એફએમસીજી કેટેગરીમાંથી ગ્રામીણ બજારોમાં ચાર કેટેગરી અને શહેરી વિસ્તારમાં પાંચ કેટેગરીમાં આ ટ્રેન્ડ જોવા મળ્યો છે.

નિષ્ણાંતોના જણાવ્યા મુજબ કે, મુખ્યત્વે ખાદ્યતેલોની કિંમતમાં અતિશય વધારાને કારણે ઓછા મુલ્યના ફૂડ પેકેટ વધારે પ્રમાણમાં વેચાઇ રહ્યા છે, ખાદ્ય તેલો ભારતીય કુટુંબોના રસોડાના બજેટને અસર કરનાર મુખ્ય ઘટક છે.

પેકેજ્ડ ફૂડ કેટેગરીની વાત કરીયે તો અર્થવ્યવસ્થા ખુલવાની સાથે જ શહેરી વિસ્તારો ઓછા કિંમતના પેકેટના વપરાશમાં વધારો જોવા મળ્યો છે. હોમ-કેર કેટેગરીમાં ગ્રામીણ વિસ્તારોમાં મધ્યમ કદના પેકેટ તરફ ગ્રાહકોનો વધારે ઝૂકાવ સ્પષ્ટ દેખાઇ રહ્યો છે, જ્યારે શહેરી વિસ્તારોમાં ઓછી કિંમતના પેકેટ વધારે ખરીદવામાં આવી રહ્યા છે. 

ભાવ વૃદ્ધિ એ એફએમસીજી-ફૂડ પેકેટ સેગમેન્ટમાં આવેલા પરિવર્તનનું મુખ્ય ચાલકબળ છે, ખાસ કરીને એવી ચીજોમાં જ્યાં ખાદ્યતેલ મુખ્ય રો-મટિરિયલ છે. જેમ જેમ વિવિધ કંપનીઓ તેમની પ્રોડક્ટોની કિંમતમાં નવા ભાવ વધારાના ઘોષણા કરી રહી છે, તેમ તેમ આગામી મહિનાઓમાં વપરાશનું પ્રમાણ ઘટવાનું જોખમ જોઇ શકાય છે. 

જો કે, પેકેજ્ડ ફૂડ કંપનીઓએ હજુ સુધી આવા કોઇ ઘટાડાના સંકેત આપ્તા નથી. એક બિસ્ટિક કંપનીએ કહ્યુ કે, તેમણે હજુ સુધી વપરાશ પ્રભાવિત થતી જોઇ નથી. વિવિધ પેકેટ ફૂડની કિંમતમાં નવા ભાવ વૃદ્ધિની અસર ત્યાર પછીના બે મહિનામાં જોવા મળશે. મોટા પેકેટના વેચાણ-વપરાશ પર આગામી મહિનાઓમાં અસર થવાની શક્યતા છે.

Share: