જાપાનની ભારતમાં બૂલેટટ્રેન સહિતના પ્રોજેક્ટમાં રૂ. ત્રણ લાખ કરોડનાં રોકાણની જાહેરાત

જાપાનની ભારતમાં બૂલેટટ્રેન સહિતના પ્રોજેક્ટમાં રૂ. ત્રણ લાખ કરોડનાં રોકાણની જાહેરાત


– જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા પ્રથમ વખત ભારતની મુલાકાતે 

– ભારત-જાપાન વચ્ચે14મા શિખર સંમેલનના ભાગરૂપે બંને દેશોના વડાપ્રધાનોની બેઠક થઈ: સહયોગ વધારવા છ મહત્વપૂર્ણ કરારો થયા

નવી દિલ્હી : ભારત-જાપાન વચ્ચે ૧૪મું વાર્ષિક સંમેલન યોજાઈ રહ્યું છે. તેના ભાગરૂપે જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા પ્રથમ વખત ભારતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. બંને દેશોના વડાપ્રધાનો વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ભારત-જાપાન વચ્ચે છ કરારો થયા હતા.  કરારો પ્રમાણે જાપાન ભારતમાં બૂલેટટ્રેન સહિતના વિવિધ પ્રોજેક્ટમાં ૩.૨૦ લાખ કરોડનું રોકાણ કરશે. 

ભારત-જાપાન વચ્ચે ૧૪મું વાર્ષિક સંમેલન યોજાઈ રહ્યું છે. તેમાં ભાગ લેવા જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા ભારત આવ્યા હતા. ફુમિયો વડાપ્રધાન બન્યા એ પછી તેમની આ પ્રથમ ભારતયાત્રા છે. ફુમિયો કિશિદા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ ક્ષેત્રના છ કરારો થયા હતા. એ કરારો પ્રમાણે જાપાન આગામી પાંચ વર્ષમાં બૂલેટટ્રેન સહિતના ભારતના જુદા-જુદા ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ૪૨ અબજ ડોલર એટલે કે અંદાજે ૩.૨૦ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

બંને દેશોના વડાપ્રધાનોનું એક સંયુક્ત નિવેદન રજૂ થયું હતું. એમાં કહેવામાં આવ્યું હતું કે ભારત-જાપાન વચ્ચે થયેલા નવા કરારોથી બંને રાષ્ટ્રોને આર્થિક મજબૂતી તો મળશે જ, સાથે સાથે હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ-સલામતી , સમૃદ્ધિ અને સ્થિરતા આવશે.

બંને દેશોના વડાપ્રધાનો વચ્ચે આર્થિક ઉપરાંત સાંસ્કૃતિક અને આંતરરાષ્ટ્રીય રાજનીતિ બાબતે ચર્ચા થઈ હતી. ખાસ તો યુક્રેન-રશિયાના યુદ્ધ બાબતે ચર્ચા થઈ હતી. યુક્રેન-રશિયાએ સંવાદથી યુદ્ધનો ઉકેલ લાવવો જોઈએ એવો મત બંને દેશોના વડાપ્રધાનોએ વ્યક્ત કર્યો હતો. કિશિદાના નિવેદનમાં કહેવાયું હતું કે આગામી થોડાક મહિનામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળીને ક્વાડ દેશોના શિખર સંમેલનને સફળ બનાવવા કામ થશે. કિશિદાએ બંને દેશોની ભાગીદારીને વિશેષ ગણાવી હતી.

ઉલ્લેખનીય છે કે બંને દેશો વચ્ચે છેલ્લું શિખર સંમેલન જાપાનમાં ૨૦૧૮માં યોજાયું હતું. સાડા ત્રણ વર્ષના અંતરાળ પછી આ સંમેલન યોજાયું હતું. આ વર્ષ ભારત-જાપાનના રાજદ્વારી સંબંધોનું ૭૦મું વર્ષ હોવાથી બંને દેશોએ સંબંધો વધારે મજબૂત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

Share: