લતા મંગેશકરને મુખાગ્નિ આપશે ભત્રીજો આદિત્ય, PM મોદી પહોંચ્યા મુંબઈ

લતા મંગેશકરને મુખાગ્નિ આપશે ભત્રીજો આદિત્ય, PM મોદી પહોંચ્યા મુંબઈ

મુંબઈ, તા. 06 ફેબ્રુઆરી, 2022, રવિવાર

મહાન ગાયિકા લતા મંગેશકરના પાર્થિવ શરીરને મુંબઈના શિવાજી પાર્ક ખાતે લાવવામાં આવ્યો છે અને તેમનો ભત્રીજો આદિત્ય તેમને મુખાગ્નિ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાના વહાલા લતા દીદીને અંતિમ વિદાય અને શ્રદ્ધાંજલિ આપવા માટે મુંબઈ પહોંચી ગયા છે. 

લતા મંગેશકરના પરિવાર ઉપરાંત અભિનેતા શાહરૂખ ખાન અને ક્રિકેટર સચિન તેંડુલકર સહિતની તમામ હસ્તિઓ શિવાજી પાર્ક ખાતે ઉપસ્થિત છે. 

ભારતના સ્વર કોકિલા ગણાતા લતા મંગેશકરે આજે સવારે મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને પોતે લતા દીદીને શ્રદ્ધાંજલિ આપવા માટે મુંબઈ જશે તેમ જણાવ્યું હતું. કેન્દ્ર સરકારે લતા મંગેશકરને માન આપવા માટે 2 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. 

બે દિવસના આ રાજકીય શોક દરમિયાન સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ રહેશે અને કોઈ સત્તાવાર મનોરંજનના કાર્યક્રમ નહીં યોજાય. 

ભારત રત્ન પુરસ્કાર વિજેતા લતા મંગેશકરને જાન્યુઆરી મહિનામાં ન્યૂમોનિયા અને કોરોના વાયરસના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ થયાના 28 કરતાં પણ વધારે દિવસો વીત્યા બાદ તેમના અનેક અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું અને તેમનું મૃત્યુ થયું હતું. 

Share: