ફેસબુકના શેરના કડાકાથી ઝુકરબર્ગની સંપત્તિમાં રૂ.1.75 લાખ કરોડનું ધોવાણ

ફેસબુકના શેરના કડાકાથી ઝુકરબર્ગની સંપત્તિમાં રૂ.1.75 લાખ કરોડનું ધોવાણ

– બ્લુમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ અનુસાર માર્ક ઝુકરબર્ગ ટોચના દસ ધનાઢ્ય વ્યક્તિઓની યાદીની બહાર 

ફેસબુકની માલિકી કંપની મેટા પ્લેટફોર્મ્સ ઇન્કના શેરમાં ગુરુવારે શેરબજાર ખુલતાની સાથે જ ૨૩ ટકાનો જંગી કડાકો બોલાયો હતો જેની પાછળનું કારણ સોશિયલ મીડિયા કંપનીના૧૮ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર યુઝર્સની સંખ્યામાં નોંધાયેલો ઘટાડો અને નબળાં પરિણામ છે. આ સાથે જ કંપનીના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગની વ્યક્તિગત સંપત્તિમાં રૂ.૧.૭૫ લાખ કરોડ કે ૨૪ અબજ ડોલરનું નુકસાન થયું હતું. આ નુકસાનના કારણે ૧૭ વર્ષમાં પહેલી વખત ઝુકરબર્ગ વિશ્વના સૌથી ધનાઢ્ય ૧૦ વ્યક્તિઓની યાદીની બહાર નીકળી ગયા હતા.

મેટ પ્લેટફોર્મના શેરમાં ઘટાડો થતા કંપનીનું બજાર મુલ્ય ૨૦૦ અબજ ડોલર કે રૂ.૧૫ લાખ કરોડ જેટલું એક જ દિવસમાં ઘટી ગયું છે. આ ઘટાડો એટલો મોટો છે કે ભારતમાં લીસ્ટેડ કંપનીઓમાં સૌથી મુલ્યવાન બીજા ક્રમની  તાતા કન્સલ્ટન્સીના કુલ માર્કેટ કેપ કરતા પણ ફેસબુકમાં એક દિવસમાં વધારે ઘટાડો જોવા મળ્યો છે.

આ અગાઉ,એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ ૩૪ અબજ ડોલર અને ટેસ્લાના ઈલોન મસ્કની સંપત્તિમાં ૨૮ અબજ ડોલરનો ઘટાડોએક જ દિવસમાં નોંધાયો હોવાની ઘટના બની છે. ફેસબુકના શેરમાં કડાકાના કારણે આજે અમેરિકન શેરબજાર પણ નરમ ખુલ્યા છે.

Share: