×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શરજીલ ઈમામ પર ચાલશે દેશદ્રોહનો કેસ, એન્ટી CAA પ્રોટેસ્ટ દરમિયાન આપ્યા હતા ઉશ્કેરણીજનક ભાષણો


- શરજીલના ભાષણો બાદ લોકો ઉશ્કેરાયા હતા અને પછી ડિસેમ્બર 2019માં જામિયામાં હિંસા થઈ હતી

નવી દિલ્હી, તા. 24 જાન્યુઆરી, 2022, સોમવાર 

કોર્ટે દિલ્હીના તોફાનો સાથે સંકળાયેલા કેસના આરોપી શરજીલ ઈમામ પર દેશદ્રોહ, UAPA સહિત અન્ય કેટલીય કલમો લગાવવાનો આદેશ આપ્યો છે. એન્ટી-સીએએ પ્રદર્શનો દરમિયાન શરજીલે જે ભાષણો આપ્યા હતા તેના કારણે આ કલમો લગાવવામાં આવશે. શરજીલે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (યુપી) અને દિલ્હીમાં જામિયા વિસ્તારમાં આ ભાષણો આપ્યા હતા. 

જાણવા મળ્યા મુજબ એડિશનલ સેશન જજ અમિતાભ રાવતે આ નિર્ણય સંભળાવ્યો હતો. તેમના આદેશ પ્રમાણે શરજીલ ઈમામ પર આઈપીસી સેક્શન 124A (દેશદ્રોહ) 153A, 153B અને 505 અને UAPAના સેક્શન 13 અંતર્ગત કેસ દાખલ થશે. 

કોર્ટે જણાવ્યું કે, વર્ષ 2019ના ડિસેમ્બર મહિનામાં આપવામાં આવેલા ભાષણો માટે શરજીલ ઈમામે ટ્રાયલનો સામનો કરવો પડશે. કોર્ટે તે ભાષણોને ઉશ્કેરણીજનક માન્યા છે. 

શરજીલ ઈમામ પર આરોપ છે કે, તેણે પોતાના ભાષણાં આસામને દેશના બાકીના હિસ્સા સાથે જોડનારા ભૂ-ભાગ (ચિકન નેક)ને કાપવાની વાત કરી હતી. આસામને દેશથી અલગ કરનારા ભાષણ બાદ શરજીલ ઈમામ ચર્ચામાં આવ્યો હતો. ત્યાર બાદ તેના વિરૂદ્ધ અનેક કેસ દાખલ થયા હતા. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે શરજીલ વિરૂદ્ધ અનલોફુલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ (યુએપીએ) અંતર્ગત કેસ દાખલ કર્યો હતો. 

શરજીલે 16 જાન્યુઆરી, 2020ના રોજ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં જે ભાષણ આપ્યું હતું તેને લઈ તેના પર 5 રાજ્યોમાં દેશદ્રોહનો કેસ દાખલ થયો હતો. તેમાં દિલ્હી ઉપરાંત આસામ, ઉત્તર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ અને મણિપુર સામેલ હતું. શરજીલની બિહાર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. 

દિલ્હી પોલીસે શરજીલ વિરૂદ્ધ જે ચાર્જશીટ દાખલ કરી હતી તે મુજબ તેણે પોતાના ભાષણોથી કેન્દ્ર સરકાર પ્રત્યે ધૃણા, અવમાનના અને અપ્રસન્નતા સર્જી હતી, તેનાથી લોકો ઉશ્કેરાયા હતા અને પછી ડિસેમ્બર 2019માં જામિયામાં હિંસા થઈ હતી. 

શરજીલ ઈમામે આઈઆઈટી બોમ્બે ખાતેથી બીટેક અને એમટેક કર્યું છે. 2013માં તેણે જેએનયુમાં આધુનિક ઈતિહાસમાં પીજીની ડિગ્રી પૂરી કરી હતી. તે મૂળે બિહારના જહાનાબાદ જિલ્લાનો રહેવાસી છે. તેના માતા-પિતા અને ભાઈ જહાનાબાદના કાકો ખાતે રહે છે.