પંજાબ ઈલેક્શન 2022: ભાજપ-કોંગ્રેસની માગણી પર ચૂંટણી પંચ સહમત, હવે આ તારીખે થશે મતદાન

પંજાબ ઈલેક્શન 2022: ભાજપ-કોંગ્રેસની માગણી પર ચૂંટણી પંચ સહમત, હવે આ તારીખે થશે મતદાન


– રવિદાસ જયંતીના કારણે એસસી શ્રદ્ધાળુઓ 10થી 16 ફેબ્રુઆરી સુધી મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશના બનારસની યાત્રા કરશે

નવી દિલ્હી, તા. 17 જાન્યુઆરી, 2022, સોમવાર

પંજાબમાં મતદાનની તારીખ આગળ વધારવા મુદ્દે યોજાયેલી બેઠક સમાપ્ત થઈ ગઈ છે. ચૂંટણી પંચ બસપા, કોંગ્રેસ, પંજાબ લોક કોંગ્રેસ અને ભાજપની એ માગણી પર સહમત થયું છે જેમાં ત્રણેય દળે 16 ફેબ્રુઆરીના રોજ શ્રી ગુરૂ રવિદાસ જયંતીના કારણે ચૂંટણીને 6 દિવસ આગળ વધારવાની માગણી કરી હતી. હવે પંજાબમાં 14 ફેબ્રુઆરીના બદલે 20 ફેબ્રુઆરી, 2022ના રોજ મતદાન થશે. 

મતદાનની તારીખ 6 દિવસ માટે લંબાવવામાં આવી હોવાથી તે પ્રમાણે અન્ય કેટલાક ફેરફાર પણ થશે. જેમકે હવે તેના માટેનું નોટિફિકેશન પણ 25 જાન્યુઆરીના રોજ જાહેર થશે. પહેલી ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્ર ભરવામાં આવશે અને 4 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારોનું ફાઈનલ લિસ્ટ બહાર પડશે. પ્રચાર માટે 15 દિવસ મળશે. 

મુખ્યમંત્રી ચન્નીએ ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, અનુસૂચિત જાતિ (SC) સમુદાયના લોકોએ તેમને જણાવ્યું કે, રવિદાસ જયંતીના કારણે એસસી શ્રદ્ધાળુઓ 10થી 16 ફેબ્રુઆરી સુધી મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશના બનારસની યાત્રા કરશે. 

ભાજપે પણ મુખ્યમંત્રી ચન્નીની માફક ચૂંટણી પંચને ચિઠ્ઠી લખીને એવી દલીલ કરી હતી કે, 16 ફેબ્રુઆરીના રોજ પંજાબમાં શ્રી ગુરૂ રવિદાસ જયંતી છે અને આ પ્રસંગે દલિત સમુદાયના અનેક લોકો વારાણસી અને અન્ય તીર્થ સ્થળોએ ગુરૂપર્વ ઉજવવા માટે જાય છે. તેવામાં મતદાનના દિવસે તેમના માટે પંજાબમાં રહેવું મુશ્કેલ બની શકે છે. આ કારણે ચૂંટણી પંચે ચૂંટણીની તારીખમાં ફેરફાર કરવા વિચાર કરવો જોઈએ. 

બસપાના પંજાબ એકમના પ્રમુખ જસવીર સિંહ ગઢીએ સૌથી પહેલા મતદાનની તારીખ આગળ વધારવાની માગણી કરી હતી. તેમણે આયોગને 14 ફેબ્રુઆરીના બદલે 20 ફેબ્રુઆરીના રોજ મતદાન કરવા માટે વિનંતી કરી હતી. પંજાબની 117 વિધાનસભા બેઠકો માટે 14 ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું છે અને 10 માર્ચના રોજ મતગણતરી થશે. પંજાબ ઉપરાંત ઉત્તર પ્રદેશ, મણિપુર, ગોવા અને ઉત્તરાખંડમાં પણ આ તારીખે જ મતગણતરી થશે. 

Share: