જયપુરઃ ઓમિક્રોનના પગપેસારા વચ્ચે દ. આફ્રિકાથી આવેલા એક જ પરિવારના 4 સભ્યો કોરોના પોઝિટિવ

જયપુરઃ ઓમિક્રોનના પગપેસારા વચ્ચે દ. આફ્રિકાથી આવેલા એક જ પરિવારના 4 સભ્યો કોરોના પોઝિટિવ


– આ લોકોના સંપર્કમાં આવેલા 12 લોકોમાંથી 5 સદસ્યો પણ કોરોના પોઝિટિવ આવ્યા

નવી દિલ્હી, તા. 3 ડિસેમ્બર, 2021, શુક્રવાર

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો થયો છે. ભારતમાં પણ ઓમિક્રોનના 2 કેસ સામે આવ્યા છે. ત્યારે આ બધા વચ્ચે રાજસ્થાનના જયપુરમાં દક્ષિણ આફ્રિકાથી પાછા ફરેલા એક જ પરિવારના 4 સદસ્યો કોરોના પોઝિટિવ નોંધાયા છે. 

જાણવા મળ્યા મુજબ પરિવારના 9 લોકો 25 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા હતા. પરિવારના સદસ્યોમાંથી માતા-પિતા અને તેમની 8 અને 15 વર્ષની 2 દીકરીઓ સંક્રમિત આવી છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે, આ લોકોના સંપર્કમાં આવેલા 12 લોકોમાંથી 5 સદસ્યો પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. 

જીનોમ સિક્વન્સિંગ કરાવાયું

ઓમિક્રોનનો પહેલો કેસ દક્ષિણ આફ્રિકામાં નોંધાયો હતો. તેવામાં આ કેસની ગંભીરતા ધ્યાનમાં રાખીને સૌને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. કોરોના પોઝિટિવ આવેલા તમામ લોકોનું જીનોમ સિક્વન્સિંગ કરાવવામાં આવ્યું છે. જોકે હજુ સુધી રિપોર્ટ નથી આવ્યો અને રિપોર્ટ આવ્યા બાદ જ તેઓ કોરોનાના કયા વેરિએન્ટથી સંક્રમિત છે તેની પૃષ્ટિ થઈ શકશે. જોકે તમામ સદસ્યોએ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધેલા છે અને તેમનામાં કોઈ પણ જાતના લક્ષણો નથી દેખાઈ રહ્યા. 

Share: