કેન્દ્ર-રાજ્ય સરકારોએ કામ જ નથી કરવું, બધુ અમારા પર ઢોળવું છે

કેન્દ્ર-રાજ્ય સરકારોએ કામ જ નથી કરવું, બધુ અમારા પર ઢોળવું છે


પ્રદૂષણ ઘટાડવાના પગલાં લેવામાં સરકારોના ઠાગાઠૈયાથી સુપ્રીમ ખફા

ટીવી પરની ચર્ચાઓ જ જાણે વધુ પ્રદૂષણ ફેલાવતી હોય તેમ લાગે છે : સુપ્રીમની ટકોર દિલ્હીમાં બહારથી આવતા ટ્રકોને 21મી સુધી નો-એન્ટ્રી, સ્કૂલ-કોલેજો પણ બંધ રહેશે

દિલ્હી એનસીઆરમાં વર્ક ફ્રોમ હોમનો સુપ્રીમનો પ્રસ્તાવ કેન્દ્રએ નકાર્યો

નવી દિલ્હી : પ્રદૂષણને લઇને સુપ્રીમ કોર્ટે સરકારો અને સરકારી બાબુઓનો ઉધડો લીધો હતો અને કહ્યું હતું કે પ્રદૂષણ અટકાવવાની કોઇ દાનત જ નથી અને બધુ જ સુપ્રીમ કોર્ટ પર છોડી દેવું છે. બીજી તરફ દિલ્હી એનસીઆરમાં વધી રહેલા પ્રદૂષણને લઇને સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે વર્ક ફ્રોમ હોમનો નિયમ હાલ લાગુ કરવો શક્ય નથી.

જોકે પ્રદૂષણ અટકાવવા માટે કાર પૂલિંગના સમર્થનમાં છીએ. સુપ્રીમ કોર્ટે વર્ક ફ્રોમ હોમ અંગે વિચારવા દિલ્હી અને કેન્દ્ર સરકારને કહ્યું હતું જે મુદ્દે દિલ્હી સરકાર સહમત થઇ હતી પણ કેન્દ્રીય કર્મચારીઓ માટે આ નિયમો લાગુ કરવાની કેન્દ્ર સરકારે ના પાડી દીધી છે. 

સમગ્ર એનસીઆરમાં ઉધ્યોગો બંધ રાખીને કર્મચારીઓને ઘરે બેસીને કામ કરવાનો પ્રસ્તાવ દિલ્હી સરકારે મુક્યો હતો. કેન્દ્રએ સુપ્રીમનો પ્રસ્તાવ નકારી દીધો હતો જ્યારે હરિયાણા અને દિલ્હી સરકારે કહ્યું હતું કે જે આદેશ આપવામાં આવશે તેનું અમે પાલન કરવા માટે તૈયાર છીએ. 

જ્યારે પંજાબ સરકારે કહ્યું છે કે પંજાબ દિલ્હી-એનસીઆરમાં નથી આવતું તેમ છતા તે સુપ્રીમના આદેશોનું પાલન કરવા તૈયાર છે. બીજી તરફ સરકારોના આ પ્રકારના જવાબોને લઇને સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે સરકારોને પ્રદૂષણ અટકાવવાની દાનત જ નથી.  અને બધુ જ સુપ્રીમ કોર્ટ પર ઢોળી દેવું છે. 

બીજી તરફ સુપ્રીમ કોર્ટે ટીવી ડિબેટ્સ અંગે પણ ટકોર કરતા કહ્યું કે આ ટીવી ડિબેટ્સથી જ જાણે વધુ પ્રદૂષણ ફેલાઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. કોર્ટે કહ્યું હતું કે જે લોકો પ્રદૂષણની ટીકા કરી રહ્યા છે તેઓ ફાઇવ સ્ટાર હોટેલોમાં બેસીને પરાળી સળગાવવા પર ચર્ચા કરી રહ્યા છે. 

ટીવી પર જે ચર્ચાઓ કે ડિબેટ્સ કરવામાં આવે છે તેના દ્વારા અન્યો કરતા વધુ પ્રદૂષણ ફેલાય છે. દરમિયાન એર પોલ્યૂશન ગુણવત્તા પ્રબંધન આયોગ (સીએક્યૂએમ)એ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં એર પોલ્યૂશન સંકટને પહોંચી વળવા માટે દિલ્હી, હરિયાણા, રાજસૃથાન અને ઉત્તર પ્રદેશની સરકારોને અનેક આદેશ જારી કર્યા હતા. 

આ નિર્ણય મંગળવારે દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ સંકટ પર યોજાયેલી ઇમર્જન્સી બેઠકમાં લેવાયો હતો. આ આદેશમાં દિલ્હી, હરિયાણા, રાજસૃથાન અને ઉત્તર પ્રદેશને સલાહ આપવામાં આવી છે કે 21મી નવેંબર સુધી ઓછામાં ઓછા 50 ટકા કર્મચારીઓને ઘરે બેઠા કામ કરવાની અનુમતી આપવામાં આવે. સાથે જ જરૂરી હોય તે સિવાયના સામાનને લઇને જતા ટ્રકોને છોડીને બાકીના અન્ય ટ્રકોને 21મી નવેંબર સુધી દિલ્હીમાં પ્રવેશ આપવામાં નહીં આવે. 

જ્યારે ઇમર્જન્સી સેવાઓ સિવાયના કોઇ પણ બિલ્ડિંગના નિર્માણ કામ પર પણ 21મી તારીખ સુધી પ્રતિબંધ મુકાયો છે. બીજી તરફ દિલ્હી-એનસીઆરની સરકારોને જે વાહનો પ્રદૂષણ ફેલાવી રહ્યા છે તેના પર સ્પષ્ટ રૂપે રોક લગાવવાના આદેશ અપાયા છે. દિલ્હીના 300 કિમીના દાયરામાં આવતા 11 થર્મલ પ્લાંટોમાંથી છને 30મી નવેંબર સુધી બંધ રાખવાનો આદેશ અપાયો છે.  દરમિયાન દિલ્હીમાં વાયુ પ્રદૂષણને કારણે લોકડાઉન જેવી સિૃથતિ છે અને સ્કૂલ, કોલેજોને આગામી આદેશ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 

કર્મચારીઓ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઓફિસ જાય : કેન્દ્રની સલાહ

દરમિયાનમાં કેન્દ્ર સરકારે પ્રદૂષણ અટકાવવા માટેના સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવ વર્ક ફ્રોમ હોમને નકારી દીધો હતો. જોકે સાથે કેન્દ્રીય કર્મચારીઓને એવી સલાહ આપી છે કે તેઓ પોતાના વાહનોનો ઓછો ઉપયોગ કરે અને જે પબ્લિક  ટ્રાન્સપોર્ટના વાહનો છે તેનો ઉપયોગ ઓફિસ જવા માટે કરે. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે સરકારી કર્મચારીઓએ ખાનગી કે સરકારી વાહનોનો ઉપયોગ ન કરવો જોઇએ અને ટ્રાન્સપોર્ટના વાહનો છે તેનો ઉપયોગ કરવો જોઇએ જેમ કે સિટી બસ, મેટ્રો રેલવે વગેરે. આમ કરવાથી દિલ્હીમાં વાહનોનું પ્રમાણ ઘટાડવામાં પણ કર્મચારીઓ મદદરૂપ થઇ શકશે. 

બાંધકામ પર બેનથી મજૂરો બેરોજગાર, સુપ્રીમમાં વળતરની માગ

પ્રદૂષણ અટકાવવા માટે એનસીઆરના રાજ્યોમાં કન્સ્ટ્રક્શન પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જેને પગલે હજારો વર્કર્સની રોજગારી પર તેની અસર થઇ રહી છે. એવામાં આ મજૂરો અને કડીયા વગેરે દ્વારા સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા છે. અને માગણી કરવામાં આવી છે કે જ્યાં સુધી કન્સ્ટ્રક્શનનું કામકાજ બંધ રહે ત્યાં સુધી અમને વળતર આપવામાં આવે કેમ કે અમે દૈનિક કમાઇને દૈનિક ખાનારા મજૂરો છીએ. સુપ્રીમ કોર્ટમાં નેશનલ કેમ્પેઇન કમિટી ફોર સેન્ટ્રલ લેજિસ્લેશન દ્વારા આ અરજી કરવામાં આવી હતી. અને બાંધકામ પર સંપૂર્ણ પ્રતિબંધનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો.  

ફાઇવ સ્ટાર હોટેલોમાં બેસી  પ્રદૂષણ મુદ્દે ખેડૂતોની ટીકા કરવી સહેલી : સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ મુદ્દે જે ટીવી ડિબેટ ચાલી રહી છે તે અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે પરાળી સળગાવતા ખેડૂતોને ફાઇવ સ્ટાર બોટેલોમાં એસીમાં બેસીને સલાહ આપવી આસાન છે.  જ્યારે કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી ત્યારે કેન્દ્ર વતી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે મે પરાળી સળગાવવાથી જ પ્રદૂષણ ફેલાય છે તેવું નથી તેમ સુપ્રીમમાં કહ્યું હતું. મારા આ નિવેદનને કારણે મીડિયા કહી રહ્યું છે કે મે સુપ્રીમને ખોટી જાણકારી આપી છે. બાદમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે પબ્લિક ઓફિસમાં આવી ટીકાઓ થતી રહે છે તેને ભુલી જાઓ.

Share: