'હવે તો કોઈ ડર નથી ને?', કૈરાના પાછા ફરેલા હિંદુ પરિવારોને મળ્યા યોગી આદિત્યનાથ

'હવે તો કોઈ ડર નથી ને?', કૈરાના પાછા ફરેલા હિંદુ પરિવારોને મળ્યા યોગી આદિત્યનાથ


– 2015થી 2017ના વર્ષ દરમિયાન આશરે 90 હિંદુ પરિવારોએ કૈરાના છોડી દીધું હતું

નવી દિલ્હી, તા. 08 નવેમ્બર, 2021, સોમવાર

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે કૈરાના પહોંચ્યા છે. ત્યાં તેઓ હિંદુ પરિવારોની મુલાકાત લઈ રહ્યા છે જેમણે વધી રહેલા ક્રાઈમના કારણે કૈરાના છોડી દીધું હતું. જોકે હવે તેઓ પાછા આવી ગયા છે. પલાયન પીડિતો સાથેની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બાજુમાં બેસેલી એક બાળકીને ‘હવે તો કોઈ ડર નથી ને?’ એવો સવાલ કર્યો હતો અને જવાબમાં બાળકીએ માથું હલાવીને ના કહી હતી. 

શામલીના કૈરાના ખાતે પલાયન દરમિયાન વેપારી વર્ગે મોટા પાયે પલાયન કર્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે ઘરવાપસી કરનારા વેપારીઓની મુલાકાત લીધી હતી. તેઓ સૌ પોતાના પરિવાર સાથે ઘર છોડીને દિલ્હી, હરિયાણા અને ગુજરાત સુધી પહોંચી ગયા હતા. 

મુલાકાત દરમિયાન લોકોએ મુખ્યમંત્રી યોગીજીને પહેલા ત્યાં ગુંડારાજ હોવાનું કહ્યું હતું. એક વ્યક્તિએ કૈરાનામાં પહેલા કાશ્મીર કરતા પણ ખરાબ સ્થિતિ હોવાનું જણાવ્યું હતું. ત્યાં રહેલા લોકોએ મુકીમ કાલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. કૈરાનામાં તેનો ભારે આતંક હતો. આ વર્ષે મે મહિનામાં તે ચિત્રકૂટ જેલમાં માર્યો ગયો હતો. 

પીડિતો સાથેની મુલાકાત બાદ યોગી આદિત્યનાથે મીડિયા સાથે પણ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, હિજરત કરનારા મોટા ભાગના પરિવારો પાછા આવી ગયા છે. તેમને એવો વિશ્વાસ આપવામાં આવ્યો હતો કે, ગુનાઓ-ગુનેગારો પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ જળવાઈ રહેશે. આ સાથે જ મુખ્યમંત્રીએ કૈરાનામાં હવે પીએસીની તૈનાતી હશે તેમ પણ જણાવ્યું હતું. 

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પ્રત્યેક પીડિતને મળવું તેમનો ધર્મ છે. જો પીડિત હિંદુ હોય તો તેની મુલાકાત લેવામાં કોઈ ગુનો નથી. મુખ્યમંત્રીએ આશરે 20 મિનિટ સુધી આ પરિવારો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, મંત્રી સુરેશ રાણા પણ ઉપસ્થિત રહ્યા હતા. 

2015થી 2017ના વર્ષ દરમિયાન આશરે 90 હિંદુ પરિવારોએ કૈરાના છોડી દીધું હતું. તેમણે પોતાના ઘરની બહાર આ મકાન વેચવાનું છે તેવા બોર્ડ પણ માર્યા હતા. 2016માં કૈરાનાના તત્કાલીન ભાજપા સાંસદે આ મુદ્દો ઉઠાવ્યો હતો. યોગી સરકારે કરેલા દાવા પ્રમાણે તેમણે રાજ્યમાં ગુનાખોરી ઘટાડી છે અને ત્યાર બાદ આ પરિવારો પાછા ફર્યા છે. 

Share: