નૌશેરાઃ દિવાળી પર સૈનિકો વચ્ચે પહોંચ્યા PM મોદી, કહ્યું- પરિવાર વચ્ચે આવ્યો છું

નૌશેરાઃ દિવાળી પર સૈનિકો વચ્ચે પહોંચ્યા PM મોદી, કહ્યું- પરિવાર વચ્ચે આવ્યો છું


– નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદની ખુરશી સંભાળી છે ત્યારથી હંમેશા તેઓ જવાનો સાથે દિવાળી પર્વ ઉજવતા આવ્યા છે

નવી દિલ્હી, તા. 04 નવેમ્બર, 2021, ગુરૂવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા ખાતે પહોંચ્યા છે. ત્યાં તેમણે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને હવે સાથી જવાનો સાથે દિવાળીનો તહેવાર ઉજવવા જઈ રહ્યા છે. વડાપ્રધાન તમામ જવાનો સાથે વાતચીત કરીને તેમના ખબર-અંતર પણ પુછી રહ્યા છે. તેવામાં વડાપ્રધાન પણ ઉત્સાહિત છે અને ત્યાં રહેલા સૈનિકો પણ તેમની ઉપસ્થિતિને લઈ ખુશ જણાઈ રહ્યા છે. 

વડાપ્રધાને જવાનોને સંબોધિત કરતા કહ્યું કે, આ એમનો એવો પરિવાર છે જેમના સાથે તેમણે પોતાની દરેક દિવાળી ઉજવી છે. તેમણે જણાવ્યું કે, પહેલા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને હવે વડાપ્રધાન તરીકે તેમણે પોતાની દરેક દિવાળી પોતાના આ પરિવાર સાથે જ ઉજવી છે. 

વડાપ્રધાન મોદીએ ભાર આપીને કહ્યું કે, આ જવાનો અહીં સરહદે અડગ ઉભા રહે છે તેના કારણે જ આખો દેશ આરામની ઉંઘ લઈ શકે છે. તેમણે તમામ જવાનોને દેશનું સુરક્ષા કવચ ગણાવ્યા હતા તથા તેમના કારણે દેશમાં શાંતિ અને સુરક્ષા જળવાયેલા હોવાનું કહ્યું હતું. જવાનોનો ઉત્સાહ વધારતા તેમણે તેમને વીરતાનું જીવતું-જાગતું ઉદાહરણ પણ ગણાવ્યા હતા. 

વર્ષ 2014માં જ્યારથી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદની ખુરશી સંભાળી છે ત્યારથી હંમેશા તેઓ જવાનો સાથે દિવાળી પર્વ ઉજવતા આવ્યા છે. આ વખતે તેઓ રાજૌરીના નૌશેરા સેક્ટર ખાતે દિવાળી ઉજવશે. 

તેના પહેલા વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પણ પાઠવી હતી. વડાપ્રધાને ટ્વિટમાં લખ્યું હતું કે, દિવાળીના પાવન અવસર પર દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. મારી કામના છે કે, આ પ્રકાશ પર્વ તમારા સૌના જીવનમાં સુખ, સંપન્નતા અને સૌભાગ્ય લઈને આવે. 

તે સિવાય વડાપ્રધાન મોદી જમ્મુ કાશ્મીરના પુંછ વિસ્તારની પણ મુલાકાત લઈ શકે છે કારણ કે, ત્યાં સેનાના અનેક જવાનો શહીદ થયા છે. તે સિવાય તેઓ લદ્દાખ સેક્ટરની મુલાકાત લે તેવી પણ સંભાવના હતી કારણ કે, ભારતીય સેના ત્યાં ચીન સાથેની સરહદે છેલ્લા 18 મહિનાથી તૈનાત છે. 

Share: