×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યુજવેંદ્ર ચહલ પર જાતિગત ટિપ્પણી મુદ્દે પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહની ધરપકડ, જામીન પર મુક્ત


- આ તરફ ફરિયાદકર્તા રજત કલસને હરિયાણા પોલીસ પર યુવરાજ સિંહને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવાનો આરોપ લગાવ્યો 

નવી દિલ્હી, તા. 18 ઓક્ટોબર, 2021, સોમવાર

સોશિયલ મીડિયામાં અનુસૂચિત જાતિને લઈ આપત્તિજનક ટિપ્પણી કરવાના આરોપસર ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહની હરિયાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જોકે થોડા સમયમાં જ તેમને વચગાળાના જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા હતા. યુવરાજ સિંહે ગત વર્ષે લોકડાઉનના સમયમાં ઈન્સ્ટાગ્રામ પર ક્રિકેટર રોહિત શર્મા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે યુજવેંદ્ર ચહલ માટે આપત્તિજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યાર બાદ યુવી વિરૂદ્ધ એસસી/એસટી એક્ટ અંતર્ગત કેસ નોંધાવાયો હતો. 

યુવરાજ સિંહની ધરપકડના બનાવને પોલીસે પહેલા ગુપ્ત રાખ્યો હતો. હરિયાણાની હાંસી પોલીસે શનિવારે જ તેમની ધરપકડ કરીને તપાસમાં સામેલ કર્યા હતા. ત્યાર બાદ રવિવારે મોડી રાતે તેમની ધરપકડની વાત સામે આવી હતી. પોલીસે હિસાર સ્થિત પોલીસ વિભાગની ગેજેટેડ મેસમાં બેસાડીને યુવરાજની પુછપરછ કરી હતી અને આ કેસ સાથે સંકળાયેલા કેટલાક સવાલ-જવાબ કર્યા હતા. ત્યાર બાદ હાઈકોર્ટના નિર્દેશાનુસાર યુવરાજ સિંહને ઔપચારિક જામીન પર છોડી દેવામાં આવેલા. 

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ યુવરાજ સિંહે પોતાના નિવેદન મુદ્દે દુખ પણ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, 'હું એ વાત સ્પષ્ટ કરી દેવા માગુ છું કે કોઈ પણ પ્રકારના ભેદભાવમાં વિશ્વાસ નથી રાખતો. પછી ભલે તે રંગ, લિંગ કે ધર્મના આધાર પર હોય. મેં મારી જિંદગી લોકોની ભલાઈ માટે લગાવી છે અને આગળ પણ આવું જ કરતો રહીશ. મારા મિત્રો સાથે વાતચીત દરમિયાન મેં જે કહ્યું તેને ખોટી રીતે સમજવામાં આવ્યું. જોકે જવાબદાર ભારતીય નાગરિક હોવાના કારણે હું એમ કહું છું કે જો મેં કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે તો તેના માટે દુખ વ્યક્ત કરું છું.'

આ તરફ ફરિયાદકર્તા રજત કલસને હરિયાણા પોલીસ પર યુવરાજ સિંહને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવાનો આરોપ લગાવ્યો છે. રજતના કહેવા પ્રમાણે તે લોકોએ પંજાબ-હરિયાણા હાઈકોર્ટના યુવરાજ સિંહને વચગાળાના જામીન આપવાના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આગામી સુનાવણી કોર્ટમાં થશે.