UP: દુષ્કર્મ બાદ 3 વર્ષની બાળકીનું મોત, ચોકલેટના બહાને ઘરેથી લઈ ગયો હતો આરોપી

UP: દુષ્કર્મ બાદ 3 વર્ષની બાળકીનું મોત, ચોકલેટના બહાને ઘરેથી લઈ ગયો હતો આરોપી


– પોલીસે યુવકના ઘરની તલાશી લીધી તો લોહીથી લથપથ મૃતદેહ કપડામાં વીંટાળેલો મળી આવ્યો હતો

નવી દિલ્હી, તા. 16 ઓક્ટોબર, 2021, શનિવાર

ઉત્તર પ્રદેશના ફતેહપુર ખાતેથી હૃદય કંપાવી દેનારી ઘટના સામે આવી છે. માત્ર 3 વર્ષની એક માસૂમ બાળકી સાથે પાડોશી યુવકે દુષ્કર્મ કર્યું હતું અને ત્યાર બાદ બાળકીનું મોત થયું હતું. આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. જાણવા મળ્યા મુજબ ઘટના બની તે સમયે બાળકી ઘરે એકલી હતી. 

હકીકતે બાળકીના પરિવારજનો મૂર્તિ વિસર્જન માટે નૌબસ્તા ખાતે ગયા હતા. બાળકી ઘરે એકલી હતી તે સમયે પાડોશી યુવક દિનેશ પાસવાને બાળકીને ચોકલેટ અપાવવાના બહાને પોતાના રૂમમાં બોલાવી હતી. ત્યાં તેણે બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું અને અત્યાચારના કારણે બાળકી મૃત્યુ પામી હતી. ત્યાર બાદ તે યુવકે બાળકીનું શબ કપડામાં વીંટીને સંતાડી દીધું હતું. 

બાળકીના પરિવારજનો ઘરે આવ્યા ત્યાર બાદ તેમણે માસૂમની શોધખોળ શરૂ કરી હતી. ત્યાર બાદ પોલીસમાં બાળકી લાપતા હોવા અંગેની ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે પાડોશી યુવકની પુછપરછ કરી તો તે ગોળગોળ જવાબો આપી રહ્યો હતો. ત્યાર બાદ પોલીસે યુવકના ઘરની તલાશી લીધી તો લોહીથી લથપથ મૃતદેહ કપડામાં વીંટાળેલો મળી આવ્યો હતો. પોલીસે તે યુવકની ધરપકડ કરી લીધી છે. 

પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. આ ઉપરાંત યુવક વિરૂદ્ધ હત્યા અને દુષ્કર્મનો કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. 

Share: