કેપ્ટન અમરિંદર સિંહનું મહત્વનું નિવેદન- હવે કોંગ્રેસમાં નહીં રહું, આવું વર્તન સહન નથી થતું

કેપ્ટન અમરિંદર સિંહનું મહત્વનું નિવેદન- હવે કોંગ્રેસમાં નહીં રહું, આવું વર્તન સહન નથી થતું


– પંજાબમાં કોંગ્રેસની લોકપ્રિયતા ઘટી રહી છે અને આમ આદમી પાર્ટીનો ગ્રાફ ઉંચો જઈ રહ્યો છેઃ કેપ્ટન

નવી દિલ્હી, તા. 30 સપ્ટેમ્બર, 2021, ગુરૂવાર

પંજાબમાં ચાલી રહેલું રાજકીય દંગલ સમાપ્ત થવાનું નામ જ નથી લઈ રહ્યું. પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે ગુરૂવારે એક ખૂબ જ મહત્વનું નિવેદન આપ્યું છે. કેપ્ટન અમરિંદર સિંહે સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ હવે કોંગ્રેસ પાર્ટીમાં નહીં રહે. અમરિંદર સિંહના કહેવા પ્રમાણે તેમણે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે કે, તેઓ આ પ્રકારનું અપમાન નહીં સહન કરી શકે, તેમના સાથે જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે તે યોગ્ય નથી. 

કેપ્ટન અમરિંદર સિંહે જણાવ્યું કે, જે રીતે ધારાસભ્ય દળની બેઠક બોલાવીને છેલ્લી ઘડીએ તેમને જાણ કરવામાં આવી, તેમણે એ વખતે જ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ પદ છોડી રહ્યા છે. અમરિંદર સિંહના કહેવા પ્રમાણે જો કોઈને તેમના પર વિશ્વાસ ન હોય તો તેમના રહેવાનો ફાયદો શું છે. 

અમરિંદર સિંહે નવજોત સિંહ સિદ્ધુને લઈ કહ્યું કે, તેઓ ટીમ પ્લેયર નથી, પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ટીમ પ્લેયરની જરૂર છે. સાથે જ તેમણે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, પંજાબમાં કોંગ્રેસની લોકપ્રિયતા ઘટી રહી છે અને આમ આદમી પાર્ટીનો ગ્રાફ ઉંચો જઈ રહ્યો છે. તેમના મતે પંજાબની ચૂંટણી આ વખતે ખૂબ જ અલગ હશે, કોંગ્રેસ-અકાલી દળ પહેલેથી જ છે અને હવે આમ આદમી પાર્ટી ત્યાં આગળ વધી રહી છે. 

અમરિંદર સિંહના કહેવા પ્રમાણે તેઓ ભલે પંજાબના મુખ્યમંત્રી ન હોય પરંતુ પંજાબ હજું પણ તેમનું છે. આ કારણે જ ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની મુલાકાત લીધી છે. 

Share: