કાબુલ વિસ્ફોટઃ 13 શહીદ સૈનિકોના સન્માનમાં 4 દિવસ અડધી કાઠીએ રહેશે અમેરિકી ધ્વજ

કાબુલ વિસ્ફોટઃ 13 શહીદ સૈનિકોના સન્માનમાં 4 દિવસ અડધી કાઠીએ રહેશે અમેરિકી ધ્વજ


– રાષ્ટ્રપતિ જો બાઈડેને સ્પષ્ટ કહી દીધું છે કે, અમે તમને માફ નહીં કરીએ, શોધીને સજા આપીશું

નવી દિલ્હી, તા. 27 ઓગષ્ટ, 2021, શુક્રવાર

કાબુલમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 13 અમેરિકી સૈનિકોના મૃત્યુ બાદ અફઘાનિસ્તાનમાં અમેરિકા ફરી સક્રિય થઈ રહેલું જણાણ છે. રાષ્ટ્રપતિ જો બાઈડેને સ્પષ્ટ કહી દીધું છે કે, અમે તમને માફ નહીં કરીએ, શોધીને સજા આપીશું. સાથે જ તેમનું મિશન હજું પૂરૂ નથી થયું એમ પણ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કાબુલ ખાતે થયેલા વિસ્ફોટોમાં 100 કરતા પણ વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાનો અહેવાલ છે. 

આ બધા વચ્ચે શહીદ સૈનિકોને સન્માન આપવા માટે અમેરિકાનો રાષ્ટ્રીય ધ્વજ ઝુકેલો રહેશે. વ્હાઈટ હાઉસ દ્વારા મળતા અહેવાલ પ્રમાણે અમેરિકાનો રાષ્ટ્રીય ધ્વજ 30 ઓગષ્ટની સાંજ સુધી અડધી કાઠીએ રહેશે. ઉલ્લેખનીય છે કે, કાબુલ એરપોર્ટ પર થયેલા વિસ્ફોટોમાં 13 અમેરિકી સૈનિકોના મોત થયા હતા અને 18 કરતા વધારે સૈનિકોને ઈજાઓ પહોંચી હતી. 

સૈનિકોને કરવામાં આવ્યા હતા ટાર્ગેટ

કાબુલ એરપોર્ટના એબી ગેટ બહાર પહેલો વિસ્ફોટ થયો હતો જ્યાં અમેરિકા અને બ્રિટનના સૈનિકો તૈનાત રહે છે. જાણવા મળ્યા મુજબ હુમલાખોર ફાયરિંગ કરતો કરતો એબી ગેટ પાસે આવ્યો હતો અને તેણે પોતાની જાતને બોમ્બ વડે ઉડાડી દીધી હતી. બીજો વિસ્ફોટ એબી ગેટ પાસે બૈરલ હોટેલની બહાર થયો હતો. એવું માનવામાં આવે છે કે, વિસ્ફોટનો ઉદ્દેશ્ય સૈનિકોને ટાર્ગેટ કરવાનો જ હતો. 

‘હવે તમારો શિકાર કરીશું’

અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, જે લોકોએ આ હુમલાને અંજામ આપ્યો તેઓ આ જાણી લે કે, અમે લોકો આ માફ નહીં કરીએ. તેને ભૂલીશું પણ નહીં. હવે અમે લોકો તમારો શિકાર કરીશું. તમારે આ હુમલાની કિંમત ચુકવવી પડશે. અમેરિકા તે ISIS નેતાને બહુ સારી રીતે ઓળખે છે જેણે આ હુમલો કરાવ્યો છે. અમે લોકો રસ્તો કાઢીશું અને કોઈ મોટા સૈન્ય ઓપરેશન વગર તે ગમે ત્યાં રહે ત્યાંથી શોધી કાઢીશું. અમેરિકા કોઈ પણ સંજોગોમાં આ મહિનાના અંત સુધીમાં અફઘાનિસ્તાનમાંથી પોતાના તમામ સૈનિકોને કાઢી લેશે. 

Share: