કાબુલ એરપોર્ટ પર ઇટાલિયન સૈન્ય પરિવહન વિમાન પર ફાયરિંગ

કાબુલ એરપોર્ટ પર ઇટાલિયન સૈન્ય પરિવહન વિમાન પર ફાયરિંગ

કાબુલ, 26 ઓગસ્ટ 2021 ગુરૂવાર

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ એરપોર્ટ પરથી ઉડાન ભરી રહેલા ઇટાલિયન સૈન્ય પરિવહન વિમાન પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. ઇટાલીનાં સંરક્ષણ મંત્રાલયે એક સૂત્રને ટાંકીને આ માહિતી આપી છે. સૂત્રએ જણાવ્યું કે આ ઘટનામાં વિમાનને કોઈ નુકસાન થયું નથી. આ ઘટના એવા સમયે બની જ્યારે અમેરિકા સહિત ઘણા દેશોએ કાબુલ એરપોર્ટ પર આતંકવાદી હુમલાની ચેતવણી આપી છે અને તેમના નાગરિકોને અહીંથી દૂર રહેવા કહ્યું છે.

ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા એક ઇટાલિયન પત્રકારે સ્કાય 24 ટીજીને જણાવ્યું કે વિમાનમાં લગભગ 100 અફઘાન નાગરિકો હતા, પરંતુ ટેકઓફ થયાની થોડી મિનિટો બાદ તેના પર ગોળીબાર કરવામાં આવ્યો. આ ફાયરિંગ પાછળ કોણ છે તે હજુ સુધી જાણી શકાયું નથી. કાબુલ એરપોર્ટ પર ઇસ્લામિક સ્ટેટનાં હુમલા અંગે ચેતવણી પણ જારી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે તાલિબાને કાબુલ પર કબજો કર્યા બાદ અમેરિકા, ઈટાલી સહિત ઘણા દેશો પોતાનાં અને ત્યાંનાં નાગરિકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે. આ માટે આર્મી એરક્રાફ્ટનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારત પણ તેના નાગરિકો ઉપરાંત  હિન્દુ અને શીખ અફઘાન નાગરિકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે. આ મિશનને ‘દેવી શક્તિ’ નામ આપવામાં આવ્યું છે.

Share: