કોરોના ફરી બેલગામ, 46 હજાર નવા કેસ, 607ના મોત, કેરળ બાદ મહારાષ્ટ્રમાં ઉછાળો

કોરોના ફરી બેલગામ, 46 હજાર નવા કેસ, 607ના મોત, કેરળ બાદ મહારાષ્ટ્રમાં ઉછાળો


– પાછલા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકીના 36 હજાર કરતા વધારે કેસ માત્ર કેરળ અને મહારાષ્ટ્રમાં નોંધાયા

નવી દિલ્હી, તા. 26 ઓગષ્ટ, 2021, ગુરૂવાર

કોરોનાની બીજી લહેર પીક પર પહોંચ્યાના 3 મહિના બાદ પણ સ્થિતિ સામાન્ય નથી બની. એક તરફ કેરળમાં કોરોના સંક્રમણ બેકાબૂ બની ગયું છે ત્યારે બીજી બાજુ તેની અસર રાષ્ટ્રીય સ્તરે પણ જોવા મળી રહી છે. સ્થિતિ એ છે કે, છેલ્લા 2 દિવસમાં કોરોનાના નવા કેસમાં 20 હજાર કરતા પણ વધારેનો ઉછાળો જોવા મળ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ગુરૂવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 46,164 નવા કેસ નોંધાયા છે અને 607 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તે સિવાય 34,159 દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે ગયા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3,33,725 છે. જ્યારે દેશમાં મૃતકોની સંખ્યાની વાત કરીએ તો તે 4,36,365 થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 3,17,88,440 થઈ છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે બુધવારે પાછલા 24 કલાકમાં કોરોનાના નવા 37,593 કેસ નોંધાયા હતા અને 648 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત 34,169 દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે ગયા હતા. બુધવારે દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3,22,327 હતી. 

પાછલા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકીના 36 હજાર કરતા વધારે કેસ માત્ર કેરળ અને મહારાષ્ટ્રમાં નોંધાયા છે. 24 કલાકમાં કુલ 607 લોકોના મોત થયા છે જેમાંથી મહારાષ્ટ્રમાં 216 અને કેરળમાં 215 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ભારતમાં કોરોનાનો રિકવરી રેટ 97.63 ટકા છે. 

કેરળમાં ગુરૂવારે પાછલા 24 કલાકમાં કોરોનાના 31,445 નવા કેસ નોંધાયા હતા. તે સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 38,83,429 થઈ ગઈ. ઉપરાંત વધુ 215 દર્દીઓના મૃત્યુ સાથે કુલ મૃતકોની સંખ્યા 19,972 પર પહોંચી ગઈ. 

Share: