ભારતને મળી શકે છે પહેલા મહિલા CJI, સુપ્રીમ કોર્ટ કોલેજિયમના 9 જજના નામ પર કેન્દ્રની સહમતિ

ભારતને મળી શકે છે પહેલા મહિલા CJI, સુપ્રીમ કોર્ટ કોલેજિયમના 9 જજના નામ પર કેન્દ્રની સહમતિ


– જસ્ટિસ નાગારત્ના ભારતના પહેલા મહિલા ચીફ જસ્ટિસ બની શકે છે અને તેઓ 25 સપ્ટેમ્બરથી 29 ઓક્ટોબર 2027 માટે આ પદ સંભાળી શકે છે

નવી દિલ્હી, તા. 26 ઓગષ્ટ, 2021, ગુરૂવાર

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલા 9 જજોની નિયુક્તિને મંજૂરી આપી દીધી છે. આ 9 જજોમાં 3 મહિલા જજના નામ પણ સામેલ છે. તે પૈકીના એક ભવિષ્યમાં ભારતના પહેલા મહિલા મુખ્ય ન્યાયાધીશ પણ બની શકે છે. કોલેજિયમે જે નામોની ભલામણ કરી છે તેમાં કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ બીવી નાગારત્ના, તેલંગાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હિમા કોહલી, ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બેલા ત્રિવેદીનો પણ સમાવેશ થાય છે. 

તે સિવાય કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અભય શ્રીનિવાસ ઓકા, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ, સિક્કિમ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જિતેન્દ્ર કુમાર માહેશ્વરી, સીટી રવિકુમાર (કેરળ હાઈકોર્ટમાં ન્યાયાધીશ) અને એમએમ સુંદરેશ (કેરળ હાઈકોર્ટમાં ન્યાયાધીશ)નો સમાવેશ થાય છે. વર્તમાન સમયમાં સુપ્રીમ કોર્ટમાં 24 ન્યાયાધીશ છે. 9 જજોની નિયુક્તિ બાદ પણ ટોચની અદાલતમાં એક પદ ખાલી રહેશે. 

કોલેજિયમે જે નામોની ભલામણ કરી છે તેમાં જસ્ટિસ નાગારત્ના ભારતના પહેલા મહિલા ચીફ જસ્ટિસ બની શકે છે. જોકે, તેઓ 25 સપ્ટેમ્બરથી 29 ઓક્ટોબર 2027 માટે આ પદ સંભાળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં કોલેજિયમમાં મુખ્ય ન્યાયાધીશ એનવી રમના અને જસ્ટિસ ઉદય યૂ લલિત, એએમ ખાનવિલકર, ધનંજય વાઈ ચંદ્રચૂડ અને એલ નાગેશ્વર રાવ સામેલ હતા. 

Share: