UP નાં પૂર્વ CM કલ્યાણ સિંહ પંચતત્વમાં વિલિન, રાજકિય સન્માન સાથે અંતિમ વિદાય

UP નાં પૂર્વ CM કલ્યાણ સિંહ પંચતત્વમાં વિલિન, રાજકિય સન્માન સાથે અંતિમ વિદાય

નવી દિલ્હી, 23 ઓગસ્ટ 2021 સોમવાર

રામમંદિર આંદોલનના પ્રણેતા, યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ આજે પંચતત્ત્વમાં વિલિન થઇ ગયા. બુલંદશહેર જિલ્લાના નરોરા ખાતે ગંગા કિનારે બાસી ઘાટ પર તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. પુત્ર રાજવીરે મુખાગ્નિ આપી. સંપુર્ણ રાજકિય સન્માન સાથે અંતિમ સંસ્કાર પહેલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સીએમ યોગી, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ પુષ્પો અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી.

આ પહેલા, તેમના મૃતદેહને તેમની કર્મભુમિ અલીગઢથી તેમના વતનનાં ગામ અતરૌલી લાવવામાં આવ્યો, જ્યાં લોકો તેમના લોકપ્રિય નેતાની અંતિમ ઝલક જોવા માટે ભેગા થયા હતા. ગંગા કિનારે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમટેલા તમામ નેતાઓ અને સેલિબ્રિટીઝની ભીડને સંભાળવામાં પોલીસનાં નાકે દમ આવી ગયો હતો, ત્યારબાદ સીએમ યોગીએ પોતે માઇક લેવું પડ્યું હતું અને લોકોને તેમની જગ્યાએથી શ્રદ્ધાંજલિ આપવાની અપીલ કરી હતી. 

ગૃહમંત્રી અમિત શાહ પણ અલીગઢના અતરૌલી પહોંચ્યા અને અહિલ્યા બાઈ સ્ટેડિયમમાં કલ્યાણ સિંહનાં અંતિમ દર્શન કર્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી. અમિત શાહ ઉપરાંત રાજ્યપાલ આનંદીબેન પટેલ, મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી, તમામ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને નેતાઓ પણ અહીં પહોંચ્યા હતા.

અત્રે ઉલ્લેખનિય છે કે કલ્યાણ સિંહનું 21 ઓગસ્ટના રોજ અવસાન થયું હતું. તેઓ 89 વર્ષના હતા અને છેલ્લા દોઢ મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા.

Share: