કલ્યાણ સિંહના નિધન પર UPમાં 3 દિવસનાં રાજકીય શોકની ઘોષણા, કાલે જાહેર રજા

કલ્યાણ સિંહના નિધન પર UPમાં 3 દિવસનાં રાજકીય શોકની ઘોષણા, કાલે જાહેર રજા

લખનઉ, 22 ઓગસ્ટ 2021 રવિવાર

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને BJP નાં અગ્રણી નેતા કલ્યાણ સિંહના અંતિમ સંસ્કાર ગંગા કિનારે નરોરા ખાતે 23 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. કલ્યાણ સિંહના નિધન પર શોક વ્યક્ત કરતા ઉત્તર પ્રદેશની મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાનીવાળી સરકારે રાજ્યમાં ત્રણ દિવસનાં રાજકીય શોકનું એલાન કર્યું છે. રાજ્યમાં 23 ઓગસ્ટે એક દિવસની જાહેર રજાની પણ ઘોષણા કરવામાં આવી છે.

BJPના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે કહ્યું કે યુપીમાં ત્રણ દિવસના રાજકીય શોક સાથે આ ત્રણ દિવસમાં પાર્ટી દ્વારા કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે નહીં. 23 ઓગસ્ટે યુપીમાં એક દિવસની જાહેર રજા જાહેર કરવામાં આવી છે, જે દરમિયાન તમામ કચેરીઓ, શાળાઓ બંધ રહેશે. ઉત્તર પ્રદેશ સરકારે આની જાહેરાત કરી છે, તેને જોતા રાજ્યની તમામ શાળાઓ અને અન્ય કચેરીઓ 23 ઓગસ્ટ (સોમવારે) બંધ રહેશે.

કલ્યાણ સિંહનો જન્મ 5 જાન્યુઆરી 1932 નાં રોજ ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના મઢૌલી ગામમાં તેજપાલ સિંહ લોધી અને સીતા દેવીના ઘરે થયો હતો. તેઓ પ્રથમ વખત 1967 માં જનસંઘની ટિકિટ પર અલીગઢ જિલ્લાની અતરૌલી બેઠક પરથી વિધાનસભાનાં સભ્ય તરીકે ચૂંટાયા હતા. આ પછી તેઓ 2002 સુધી 10 વખત ધારાસભ્ય બન્યા.

Share: