કેન્દ્રીય મંત્રીએ ભાંગરો વાટ્યો, જીવિત સૈનિકનાં ઘરે શ્રદ્ધાંજલિ આપવા પહોંચી ગયા

કેન્દ્રીય મંત્રીએ ભાંગરો વાટ્યો, જીવિત સૈનિકનાં ઘરે શ્રદ્ધાંજલિ આપવા પહોંચી ગયા

નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2021 શનિવાર

કેન્દ્રીય સામાજીક ન્યાય અને અધિકાર મંત્રાલયનાં રાજ્ય કક્ષાનાં પ્રધાન એ નારાયણસ્વામી એક શહિદ જવાનનાં બદલે જીવતા સૈનિકનાં ઘરે પહોંચી ગયા અને તેમણે જવાનનાં પરિવારજનોને સરકારી નોકરી અને જમીન આપવાની પણ ઘોષણા કરી દીધી, સ્વાભાવિકપણે જ સ્થાનિક નેતાઓની ખોટી માહિતીનાં કારણે આવું થયું.

નારાયણસ્વામી જન આશિર્વાદ યાત્રા હેઠળ ગાડગ જિલ્લામાં હતા, અને તેમને પુણેમાં એક વર્ષ પહેલા શહિદ થયેલા બસવરાજ હિરેમઠનાં બદલે રવિકુમાર કટ્ટીમનીનાં ઘરે લઇ જવામાં આવ્યા, જે હાલ જમ્મુ-કાશ્મિરમાં તૈનાત છે.

પ્રધાને યાત્રા કાર્યક્રમ પ્રમાણે, તેમને શહિદ જવાનનાં પરિવારજનોને મળવાનું હતું અને તેમને સાંત્વનાં આપવાની હતી, સુત્રોએ જણાવ્યું કે નારાયણ સ્વામિ સંસદ સભ્ય શિવ કુમાર ઉદાસીની સાથે નક્કી કરેલા સમયથી મોડા જિલ્લાનાં મુલાગુંડમાં પહોંચ્યા જ્યાં કટ્ટીમનીનાં નિવાસસ્થાને તેમને લઇ જવામાં આવ્યા, તેમને જોઇને પરિવારજનો આશ્ચર્યચકિત થઇ ગયા. 

પ્રધાન સ્વામિએ જ્યારે પરિવારનાં એક સભ્યને સરકારી નોકરી અને જમીન આપવાની પણ ઘોષણા કરી તો તેઓ ચોંકી ગયા, ત્યાર બાદ એક સ્થાનિક બિજેપી કાર્યકર્તાએ કટ્ટીમનીને વિડિયો કોલ કર્યો અને પ્રધાન સાથે વાત કરાવી.

જો કે નારાયણસ્વામીને જ્યારે તેમની ભુલ સમજાઇ ત્યારે તેમણે સમગ્ર પરિસ્થિતી સંભાળી લીધી અને તે જીવિત આર્મી જવાનની પ્રસંશા કરી અને તેમના પરિવારજનોને સન્માનિત કર્યા, બાદમાં તેમણે આ સમગ્ર ભાંગરો વાટ્યો તે બદલ બિજેપી નેતાઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી.

હવે જોવા જેવી બાબત એ છે કે કેન્દ્રીય પ્રધાન શહિદ થયેલા જવાન હિરેમઠનાં ઘરે ન ગયા, શહિદ જવાનની માતાએ પણ તેઓ ઘરે ન આવ્યા તે બદલ અફસોસ વ્યક્ત કર્યો.

Share: