×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મુનવ્વર રાણાના તેવર પડ્યા ઢીલા! હવે કહે- PM મોદીને કરૂ છું ઈશ્ક, તાલિબાનવાળું નિવેદન ગંભીરતાથી ન લેવું


- વ્યક્તિ સત્તામાં આવે છે ત્યારે હિંદુ-મુસ્લિમ ભૂલીને મોહબ્બત કરવાનું શીખી લે છે અને યોગીજી આ કામ નથી કરી શક્યાઃ રાણા

નવી દિલ્હી, તા. 21 ઓગષ્ટ, 2021, શનિવાર

મશહૂર શાયર મુનવ્વર રાણા છેલ્લા ઘણા સમયથી વિવાદિત નિવેદનોને લઈને ચર્ચામાં છે પરંતુ હવે તે જરા બદલાયેલા જણાઈ રહ્યા છે. તેમના તેવર ઢીલા પડી રહેલા જણાઈ રહ્યા છે. મુનવ્વર રાણાના કહેવા પ્રમાણે તેઓ વડાપ્રધાન મોદીને ઈશ્ક કરે છે અને તેમના તાલિબાન કરતા વધારે હથિયાર ભારતના માફિયાઓ પાસે હશે તે નિવેદનને ગંભીરતાથી ન લેવું જોઈએ. મુનવ્વર રાણાએ એમ પણ કહ્યું કે, જો યોગી આદિત્યનાથ વડાપ્રધાન બનશે તો કદાચ તેઓ લોકોને પ્રેમથી મળવા લાગશે. 

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ મુનવ્વર રાણાએ કહ્યું હતું કે, તાલિબાન કરતા વધારે હથિયાર તો ભારતમાં રહેતા માફિયાઓ પાસે છે. તે સિવાય તેમના પર તાલિબાન અને મહર્ષિ વાલ્મિકીની તુલના કરવાનો આરોપ પણ લાગ્યો હતો જેને લઈ લખનૌમાં તેમના વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધાવાઈ છે. પોતાના હથિયારવાળા નિવેદન મુદ્દે સ્પષ્ટતા કરતા મુનવ્વર રાણાએ કહ્યું કે, 'આ વાત મેં કહી હતી અને તેને ગંભીરતાથી ન લેવી જોઈએ કારણ કે, તાલિબાન એક જંગલી કોમ છે અને હિંદુસ્તાન એક મુલ્ક છે. જો ભારતમાંથી 10-20 હથિયારો પણ નીકળે તો તે ખરાબ વાત છે. મેં કોઈ તુલના નહોતી કરી અને દેશમાં કેટલા હથિયાર છે તેનો રેકોર્ડ પોલીસ પાસે હશે. મારૂં એ કહેવું કોઈ મોટી વાત નથી. મેં શાયરાના અંદાજમાં હથિયારવાળી વાત કહી હતી.'

મોદી સરકારમાં દેશના વિકાસ અંગે કરવામાં આવેલા સવાલના જવાબમાં રાણાએ કહ્યું કે, 'હું મોદીજીને પસંદ કરૂ છું. મારી કમજોરી છે કે હું મોદીજીને ઈશ્ક કરૂ છું. મેં જ્યારે એવોર્ડ પાછો આપ્યો હતો ત્યારે તેઓ મારાથી ખૂબ નારાજ હતા પરંતુ મારી માતાના અવસાન વખતે તેમણે મને પત્ર લખ્યો હતો અને મને ખૂબ શરમ અનુભવાઈ હતી.'

શું તેમને યોગીજી માટે પણ એટલો જ ઈશ્ક છે તેવા સવાલના જવાબમાં કહ્યું કે, તેઓ મઠના માણસ છે અને યોગી જ રહે છે. જ્યારે વ્યક્તિ સત્તામાં આવે છે ત્યારે હિંદુ-મુસ્લિમ ભૂલીને મોહબ્બત કરવાનું શીખી લે છે અને યોગીજી આ કામ નથી કરી શક્યા. શક્ય છે કે, તેઓ કદાચ વડાપ્રધાન બની જાય તો મોહબ્બતથી મળવા લાગશે. નામ બદલવાનું છૂટી જશે.