હિંદુ યુવતીઓને મુસલમાન તો નથી લગાવી રહ્યા મહેંદી, મુઝફ્ફરનગરમાં કટ્ટરપંથીઓનો હંગામો

હિંદુ યુવતીઓને મુસલમાન તો નથી લગાવી રહ્યા મહેંદી, મુઝફ્ફરનગરમાં કટ્ટરપંથીઓનો હંગામો


– બ્યુટીપાર્લર ધરાવનારાઓને કહ્યું છે કે, હેર કટિંગ, મેકઅપ વગેરે કામ માટે મુસ્લિમ કારીગરો ન રાખશો

નવી દિલ્હી, તા. 12 ઓગષ્ટ, 2021, ગુરૂવાર

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર ખાતે હરિયાલી તીજ નિમિત્તે હિંદુ સંગઠનનું વિરોધ પ્રદર્શન સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. મુઝફ્ફરનગરમાં હિંદુ સંગઠન ક્રાંતિ સેનાના લોકો બજારમાં ફરી ફરીને કોઈ મુસ્લિમ દ્વારા કોઈ હિંદુ મહિલાને મહેંદી તો નથી લગાવવામાં આવી રહીને તેની તપાસ કરતા હતા. વાયરલ વીડિયોમાં જોવા મળ્યું હતું કે, કેટલાક લોકો દુકાનદારને પુછતા હતા કે, ‘ભાઈ અહીં મુસલમાન તો મહેંદી નથી લગાવી રહ્યાને?’

આ વીડિયો 10 ઓગષ્ટનો છે. 11 ઓગષ્ટના રોજ હરિયાલી તીજ હોવાના કારણે મહિલાઓ બજારમાં મહેંદી મુકાવવા અને ખરીદી કરવા માટે પહોંચી હતી. તેવામાં ક્રાંતિ સેના નામના સંગઠને કોઈ મુસ્લિમ વ્યક્તિ હિંદુ સ્ત્રીઓના હાથ પર મહેંદી નહીં લગાવે તેવું એલાન કર્યું હતું. 

વીડિયોમાં ક્રાંતિ સંગઠનના કાર્યકરો કહે છે કે, ‘અમને જાણવા મળ્યું છે કે, બ્યુટી પાર્લરમાં કામ કરતા મુસ્લિમ પુરૂષો લવ જિહાદ અંતર્ગત કામ કરે છે અને મહેંદી લગાવવાના બહાને હિંદુ યુવતીઓને ફસાવે છે… અમે બ્યુટીપાર્લર ધરાવનારાઓને કહ્યું છે કે, હેર કટિંગ, મેકઅપ વગેરે કામ માટે મુસ્લિમ કારીગરો ન રાખશો. અમે નજર રાખી રહ્યા છીએ અને જો કોઈ પકડાશે તો તે નહીં ચાલે. મુસ્લિમ સમુદાયના લોકો મહેંદી લગાવવાના બહાને હિંદુ મહિલાઓને બહેકાવે છે.’

લોકોએ આ વીડિયોને લઈ અનેક પ્રતિક્રિયાઓ આપી હતી અને અમુકે મુઝફ્ફરનગર પોલીસને ટેગ કરીને કાર્યવાહીની માગણી કરી હતી. પોલીસે પણ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી સંબંધિત પ્રકરણ મુદ્દે આવશ્યક કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની ખાતરી આપી હતી. 

Share: