વિશ્વનું બીજું સૌથી પ્રદૂષિત શહેર છે ગાઝિયાબાદ, દેશોમાં બાંગ્લાદેશ ટોચ પર

વિશ્વનું બીજું સૌથી પ્રદૂષિત શહેર છે ગાઝિયાબાદ, દેશોમાં બાંગ્લાદેશ ટોચ પર

નવી દિલ્હી, 11 ઓગસ્ટ 2021 બુધવાર

વિશ્વ સામે પ્રદૂષણ સૌથી મોટો ખતરો બનીને ઉભરી રહ્યું છે. આવો જ એક રિપોર્ટ બહાર આવ્યો છે જેને દુનિયાભરનાં પ્રદુષિત શહેરો અને દેશો માટે તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2020 માં બાંગ્લાદેશ વિશ્વનો સૌથી પ્રદૂષિત દેશ હતો. આ પછી પાકિસ્તાન, ભારત અને મંગોલિયાનો નંબર આવે છે. જ્યારે ઉત્તર પ્રદેશનાં ગાઝિયાબાદનું નામ વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરમાં શામેલ છે.

બ્રિટિશ કંપની હાઉસફ્રેશ દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, ચીનના ઝિનજિયાંગ પ્રાંતનાં  હોટન શહેરને સૌથી પ્રદૂષિત શહેર તરીકે વર્ણવવામાં આવ્યું છે. આ પછી, ઉત્તર પ્રદેશનું ગાઝિયાબાદ આ યાદીમાં બીજા સ્થાને છે. હોટનમાં પ્રદૂષણ માટે રણને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે કારણ કે તે તકલીમાકન રણની નજીક વસ્યું છે. જ્યારે, ગાઝિયાબાદના કિસ્સામાં, રિપોર્ટ જણાવે છે કે શહેર પ્રદૂષિત થવા માટે અહીં ટ્રાફિકને જવાબદાર ગણાવાયું છે.

ત્રીજા નંબરે માણિકગંજ

બાંગ્લાદેશનું માણિકગંજ વિશ્વનાં સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં 80.2 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરના PM 2.5 સાથે યાદીમાં ત્રીજા સ્થાને છે, માણિકગંજ વિશે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વભરમાં સૌથી ઝડપથી વિકસતા દેશો પૈકી એક તરીકે, તેનું ઓદ્યોગિક ક્ષેત્ર દર વર્ષે 13 ટકાના દરે વધી રહ્યું છે, 165 મિલિયન લોકોનાં આ દેશમાં વાયુ પ્રદૂષણ માટે વાહન અને ઓદ્યોગિક ઉત્સર્જનનો મોટો ફાળો છે. 

50 માંથી 49 શહેરો આ ચાર દેશોના છે

વિશ્વના સૌથી પ્રદૂષિત 50 શહેરોમાંથી 49 શહેરો બાંગ્લાદેશ, ચીન, પાકિસ્તાન અને ભારતમાં છે. પાંચથી ઓછા શહેરો ધરાવતા દેશોને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા નથી. આ રિપોર્ટ શહેરોની હવાની ગુણવત્તાનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. અમેરિકામાં કેલુઆ કોના અને ફિનલેન્ડનું મુઓનિયો સૌથી સ્વચ્છ શહેરોમાં સામેલ હતા.

Share: