હિમાચલઃ હાઈવે પર પહાડી પરથી પડી ચટ્ટાનો, કાટમાળમાં દબાઈ બસ અને કાર, 40થી વધુ લોકો ફસાયા

હિમાચલઃ હાઈવે પર પહાડી પરથી પડી ચટ્ટાનો, કાટમાળમાં દબાઈ બસ અને કાર, 40થી વધુ લોકો ફસાયા


– રસ્તો બિલકુલ પહાડના કિનારે છે. પહાડ પરથી નીચે પડી રહેલો કાટમાળ રસ્તા પર થઈને સીધો નીચે ધસી રહ્યો છે. 

નવી દિલ્હી, તા. 11 ઓગષ્ટ, 2021, બુધવાર

હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના નિગુલસેરી નેશનલ હાઈવે-5 પર ચીલ જંગલ પાસે ચટ્ટાનો પડવાની ઘટના નોંધાઈ છે. આ દુર્ઘટનામાં એચઆરટીસીની બસ પણ ભોગ બની હોવાનું જાણવા મળ્યું છે. ચટ્ટાનો ધસી પડવાના કારણે મુસાફરો ભરેલી એક બસ અને 2 કાર ફસાઈ ગયા છે અને 40થી વધારે લોકો દટાયા હોવાની આશંકા છે.

પ્રશાસન દ્વારા ભારતીય સેના અને એનડીઆરએફની મદદ લેવામાં આવી રહી છે. સ્થાનિક અધિકારીઓના કહેવા પ્રમાણે દુર્ઘટનાનો ભોગ બનેલી બસ હિમાચલ રોડવેઝની છે જેમાં 40થી વધારે મુસાફરો સવાર હતા. આ બસ કિન્નૌરથી શિમલા જઈ રહી હતી. તે સિવાય હજુ પણ કેટલાક પથ્થરો પહાડ પરથી નીચે આવી રહ્યા છે જેથી રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલી અનુભવાઈ રહી છે. બસના ડ્રાઈવર અને કન્ડક્ટરને ઈજાઓ પહોંચી છે અને ફોન દ્વારા તેમનો સંપર્ક કરવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 

ઘટના સ્થળની જે તસવીરો સામે આવી છે તે ખૂબ જ ખતરનાક છે. દુર્ઘટનાના વીડિયોમાં જોઈ શકાય છે કે, રસ્તો બિલકુલ પહાડના કિનારે છે. પહાડ પરથી નીચે પડી રહેલો કાટમાળ રસ્તા પર થઈને સીધો નીચે ધસી રહ્યો છે. 

મુખ્યમંત્રી જયરામ ઠાકુરે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હોવાની માહિતી આપી હતી. ઉપરાંત પોલીસ અને સ્થાનિક અધિકારીઓે તાત્કાલિક બચાવ કાર્ય માટે કહેવામાં આવ્યું હતું. 

Share: