ટ્વીટરે કેન્દ્ર સરકારનાં ઇશારે રાહુલ ગાંધીનું એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું: કોગ્રેસનો આરોપ

ટ્વીટરે કેન્દ્ર સરકારનાં ઇશારે રાહુલ ગાંધીનું એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું: કોગ્રેસનો આરોપ

નવી દિલ્હી, 9 ઓગસ્ટ 2021 સોમવાર

રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ અસ્થાયીરૂપે બંધ કરી દીધું અને એક ટ્વીટ ડિલીટ કરી દીધું ત્યાર બાદ કોંગ્રેસે સોમવારે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વીટરને નિશાન બનાવીને આકરા શાબ્દિક પ્રહારો કર્યા. પાર્ટીએ ટ્વિટર પર બેવડું વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તે મોદી સરકારના ફરમાન મુજબ અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરી રહી છે. પાર્ટીએ એવો પણ દાવો કર્યો કે સોમવારે સવારે INC-TV નું ટ્વિટર હેન્ડલ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

ટ્વિટરનાં આ પગલાની રવિવારે સાંજે કોંગ્રેસ પાર્ટીના મહાસચિવોની બેઠકમાં પણ નિંદા કરવામાં આવી હતી અને નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ મુદ્દો તમામ સ્તરે ઉઠાવવામાં આવશે. આ અંગે કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલે જણાવ્યું કે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં ટ્વિટર એકાઉન્ટને હંગામી ધોરણે સસ્પેન્ડ કરવાનાં મુદ્દે મહાસચિવો, પ્રભારીઓ અને પીસીસી (પ્રદેશ કોંગ્રેસ સમિતિ) પ્રમુખોની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

રવિવારે વિપક્ષી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે ભારત સરકારના દબાણને કારણે ટ્વિટરે ઉતાવળમાં આ કામગીરી કરી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે ટ્વિટર રાહુલ ગાંધીના ટ્વીટને કાઢી નાખવામાં અને નવ વર્ષીય બળાત્કાર પીડિતાના પરિવારના સભ્યોને મળ્યા બાદ તેની તસવીર પોસ્ટ કરવા માટે તેમનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવા માટે પસંદગીયુક્ત છે, કારણ કે આ જ પ્રકારની તસવીરો પોસ્ટ કરનારા કેટલાક અન્ય હેન્ડલ્સ સામે ટ્વીટર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. 

વેણુગોપાલે કહ્યું કે ટ્વિટરનું બેવડું ધોરણ સ્પષ્ટ દેખાય છે કારણ કે રાહુલ ગાંધીની મુલાકાતના બે દિવસ પહેલા 2 અને 3 ઓગસ્ટના રોજ કાયદા આયોગ, ભાજપનાં નેતાઓ અને વૈધાનિક કાર્યાલયોનાં લોકો દ્વારા ટ્વિટર પર આવી જ તસવીરો પોસ્ટ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે દલિતો પર થઈ રહેલા અત્યાચારને ઘટાડવાને બદલે, કેન્દ્રની મોદી સરકાર તેમની તરફેણમાં બોલનારાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે.

Share: