પંજાબમાં ફરી આતંક ફેલાવવાનો ઇરાદો ધરાવે છે પાકિસ્તાન, કરી આ નાપાક હરકત

પંજાબમાં ફરી આતંક ફેલાવવાનો ઇરાદો ધરાવે છે પાકિસ્તાન, કરી આ નાપાક હરકત

અમૃતસર, 9 ઓગસ્ટ 2021 સોમવાર

પાકિસ્તાન તેની નાપાક હરકતો બંધ કરતું નથી. પંજાબ સરહદ પર, તે સતત તેના સાથીઓને કોઈપણ રીતે હથિયારો પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. પંજાબનાં અમૃતસરમાં પાકિસ્તાને ડ્રોન દ્વારા હથિયારોનો મોટો જથ્થો મોકલ્યો હતો. જોકે, ગ્રામજનોની સતર્કતા બાદ પંજાબ પોલીસે તેને કબજે કરી લીધો છે. પાકિસ્તાને સાત બેગમાં IED, હેન્ડ ગ્રેનેડ અને કારતુસ મોકલ્યા હતા. માહિતીનાં આધારે પંજાબ પોલીસે આ હથિયારોની રિકવરી કરીને પાકિસ્તાનની ઇરાદાને નિષ્ફળ બનાવી છે.

પંજાબના પોલીસ મહાનિર્દેશક (DGP) દિનકર ગુપ્તાએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે અમને માહિતી મળી હતી કે અમૃતસર નજીકનાં ગામમાંથી 7-8 ઓગસ્ટની રાત્રે ડ્રોન જોવામાં આવ્યું છે. આ સાથે જ, લોકોને કંઈક પડવાનો અવાજ પણ સંભળાયો. આ પછી અમને કેટલીક શંકાસ્પદ વસ્તુ વિશે માહિતી મળી અને પછી જ્યારે અમે તપાસ કરી ત્યારે IED, હેન્ડ ગ્રેનેડ અને કારતુસ સાત બેગમાંથી મળી આવ્યા. આ માહિતી રાષ્ટ્રીય ગુપ્તચર એજન્સીઓને પણ મોકલવામાં આવી છે. આ સાથે જ આસપાસના વિસ્તારમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમનું કહેવું છે કે પોલીસ આ બાબતે ખૂબ જ સાવધ છે અને અમને જે પણ માહિતી મળશે તે સંબંધિત એજન્સીઓ સાથે શેર કરવામાં આવશે.

પાકિસ્તાને ડ્રોન દ્વારા ટિફિન બોમ્બ મોકલ્યા

ગ્રામજનોએ રાતનાં અંધકારમાં ડ્રોન ઉડવાનો અને કાંઇક પડવાનો અવાજ સાંભળ્યો. આ પછી, આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી. પોલીસે આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન પોલીસે IED ટિફિન બોમ્બ, પાંચ હેન્ડ ગ્રેનેડ અને 100 થી વધુ કારતુસ જપ્ત કરવામાં આવ્યા. આ ઘટના 7-8 ઓગસ્ટની રાત્રે બની હતી.

Share: