દિલ્હીમાં હાઈ એલર્ટઃ IGI એરપોર્ટને બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકી, અલ કાયદાએ પોલીસને મોકલ્યો ઈમેઈલ

દિલ્હીમાં હાઈ એલર્ટઃ IGI એરપોર્ટને બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકી, અલ કાયદાએ પોલીસને મોકલ્યો ઈમેઈલ


– પહેલા મળેલી ધમકીમાં કરણબીર અને શૈલીને આઈએસઆઈએસના એજન્ટ બતાવ્યા હતા

નવી દિલ્હી, તા. 08 ઓગષ્ટ, 2021, રવિવાર

અલકાયદાએ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકી આપી છે. દિલ્હી પોલીસને શનિવારે સાંજે અલકાયદાના નામે ઈમેઈલ મળ્યો હતો. તેમાં આગામી થોડા દિવસોમાં આઈજીઆઈ એરપોર્ટને બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી મળતા જ એરપોર્ટની સુરક્ષા વધુ સઘન કરી દેવામાં આવી છે. 

શનિવારે સાંજે મોકલવામાં આવેલા ઈમેઈલમાં લખ્યું હતું કે, કરણબીર સૂરી ઉર્ફે મોહમ્મદ જલાલ અને તેની પત્ની શૈલી શારા ઉર્ફે હસીના રવિવારે સિંગાપુરથી ભારત આવી રહ્યા છે. તેઓ આગામી એકથી 3 દિવસમાં એરપોર્ટ પર બોમ્બ રાખવા ષડયંત્ર રચી રહ્યા છે. ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે અને સુરક્ષા વધુ સઘન કરી દેવામાં આવી છે. 

તપાસ અંગે ડીઆઈજીએ જણાવ્યું કે, પહેલા પણ સમાન નામો અને સમાન વિવરણ સાથે ધમકીના મેસેજ મળ્યા હતા. પહેલા કરણબીર અને શૈલીને આઈએસઆઈએસના એજન્ટ બતાવ્યા હતા. તેમાં પણ એવું જ લખ્યું હતું કે, આ બંને આવી રહ્યા છે અને એકથી 3 દિવસમાં એરપોર્ટ પર બોમ્બ વિસ્ફોટ કરવાનું ષડયંત્ર રચશે. 

અગાઉ 18 એપ્રિલના રોજ દિલ્હી એરપોર્ટ પર એક વિમાનને બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકીથી સનસનાટી મચી ગઈ હતી. બેંગાલુરૂથી દિલ્હી આવતી ફ્લાઈટમાં એક મુસાફરને વોશરૂમમાંથી એક ચિઠ્ઠી મળી હતી જેમાં વિમાનમાં બોમ્બ હોવાની અને તે દિલ્હી એરપોર્ટ પહોંચશે તે સાથે જ તેને ઉડાવી દેવામાં આવશે તેવી ધમકી લખવામાં આવી હતી.

Share: