આગામી સપ્તાહે PM મોદી કરી શકે છે વધુ એક મંદિરનો શિલાન્યાસ, 21 કરોડમાં થશે તૈયાર

આગામી સપ્તાહે PM મોદી કરી શકે છે વધુ એક મંદિરનો શિલાન્યાસ, 21 કરોડમાં થશે તૈયાર


– સફેદ સંગેમરમર વડે દેવી ભગવતી શક્તિ પરામ્બા પાર્વતીના મંદિરના નિર્માણનો શુભારંભ 9 ઓગષ્ટના રોજ અમાંત શ્રાવણ માસની શરૂઆત સાથે થઈ શકે છે

નવી દિલ્હી, તા. 08 ઓગષ્ટ, 2021, રવિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે વધુ એક મંદિરનો શિલાન્યાસ કરી શકે છે. દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્મરણીય બાબા સોમનાથની આદ્યા શક્તિ દેવી પાર્વતી મંદિરનો વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ થશે. મંદિરના શિલાન્યાસની સાથે જ વડાપ્રધાન સોમનાથ મંદિર પરિસરની ચારે બાજુ બનાવવામાં આવેલા પરિપથનું લોકાર્પણ પણ કરશે. 

સોમનાથ મંદિર પરિસરમાં 21 કરોડ રૂપિયાના ખર્ચે સફેદ સંગેમરમર વડે દેવી ભગવતી શક્તિ પરામ્બા પાર્વતીના મંદિરના નિર્માણનો શુભારંભ 9 ઓગષ્ટના રોજ અમાંત શ્રાવણ માસની શરૂઆત સાથે થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ છે. 

સોમનાથ મંદિર અરબ સાગરના બિલકુલ કિનારે આવેલું છે. ત્યાંથી લહેરાઈ રહેલા સમુદ્રનો નજારો ખૂબ જ સુંદર લાગે છે. તેને વધુ સુંદર બનાવવા માટે સરકારે 45 કરોડ રૂપિયાના ખર્ચે સવા કિલોમીટર લાંબો વૉક વે બનાવ્યો છે. ત્યાં ફરતા ફરતા પર્યટકો, શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો મંદિરના દિવ્ય વાતાવરણ અને નિસર્ગના ખોળાનો આનંદ એક સાથે જ ઉઠાવી શકે છે. મંદિરના ઘંટની ગૂંજ અને દરિયાનો ઘૂઘવાટ એક સાથે દિવ્ય વાતાવરણ સર્જે છે. 

પાર્વતી મંદિર હજુ પણ ખંડેર

1-2 નહીં પણ 17 વખત વિધ્વંસ જોયા બાદ, આઝાદી પછી દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં 8 મે, 1950ના રોજ સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કાર્ય શરૂ થયું હતું. દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે 11 મે, 1951ના રોજ ત્યાં જ્યોતિર્લિંગની સ્થાપના કરાવી હતી અને 01 ડિસેમ્બર, 1955ના રોજ તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. જોકે, મંદિરનું નિર્માણ કાર્ય 1962માં પૂર્ણ થયું હતું. 

જોકે, ઐતિહાસિક પાર્વતી મંદિર હજુ પણ પરિસરમાં ખંડેર હાલતમાં જ છે. તે આશરે 15 ઉંચા શ્રીયંત્ર જેવા ચબૂતરા જેવું છે. મંદિર ટ્રસ્ટના કહેવા પ્રમાણે આ ઐતિહાસિક સંરચના આ સ્થળની પ્રમાણિકતા અને સ્મારક તરીકે તે અવસ્થામાં જ રાખવામાં આવી છે. 

આ મંદિરમાં સ્થાપિત દેવી પાર્વતીનો વિગ્રહ હવે ભૂતભાવન ભગવાન સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં છે. સોમનાથ મંદિર પરિસરમાં યજ્ઞશાળા પાસે આવેલા પૌરાણિક સ્થળે જ દેવી પાર્વતી મંદિરનું નિર્માણ થશે. 

Share: