બાળકોની રસી 'કોવોવૈક્સ' આગામી માર્ચ સુધીમાં આવી જશે: અદાર પૂનાવાલા

બાળકોની રસી 'કોવોવૈક્સ' આગામી માર્ચ સુધીમાં આવી જશે: અદાર પૂનાવાલા

નવી દિલ્હી, 6 ઓગસ્ટ 2021 શુક્રવાર

સીરમ ઇન્સ્ટિટ્યૂટના વડા અદાર પૂનાવાલાએ શુક્રવારે જણાવ્યું કે બાળકો માટે તેમની રસી ‘કોવોવૈક્સ’ આવતા વર્ષના પ્રથમ ત્રિમાસિક સુધીમાં આવી જશે. જ્યારે, વડીલો માટે આ રસી ઓક્ટોબર સુધીમાં ભારતમાં લોન્ચ કરવામાં આવશે. પૂનાવાલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને મળ્યા હતા. તેમણે કહ્યું કે પૈસાની કોઈ અછત નથી. અમને જે મદદ મળી રહી છે તેના માટે અમે પીએમ મોદીના ખૂબ આભારી છીએ.

મંત્રી માંડવિયાને મળ્યા બાદ અદાર પૂનાવાલાએ પત્રકારો સાથેની ચર્ચામાં જણાવ્યું કે સરકાર અમને મદદ કરી રહી છે. કોઈ આર્થિક સંકટ નથી. આશા છે કે વડીલો માટે અમારો ‘કોવોવૈક્સ’ આ વર્ષે ઓક્ટોબર સુધીમાં આવી જશે. કિંમત અંગે તેમણે કહ્યું કે ‘કોવોવૈક્સ’ લોન્ચ સમયે તેની કિંમત બધાને ખબર પડી જશે. તેમણે કહ્યું કે બાળકો માટે રસી 2022 ના પહેલા ત્રણ મહિનામાં આવી જશે.

અદાર પૂનાવાલાએ માંડવિયા સાથેની બેઠકમાં કોવિશિલ્ડના પુરવઠા અંગે ચર્ચા કરી. તેમણે કહ્યું કે અમે રસીનું ઉત્પાદન વધારવા અંગે ચર્ચા કરી. યુરોપનાં 17 દેશોએ કોવિશિલ્ડને મંજૂરી આપી છે અને ઘણા મંજૂરી આપવાની તૈયારીમાં છે.

બીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે

અત્રે ઉલ્લેખનિય છે કે, 28 જુલાઈના રોજ, સેન્ટ્રલ ડ્રગ્સ ઓથોરિટીના નિષ્ણાતોએ બે થી 17 વર્ષના બાળકો પર સીરમ ઈન્સ્ટિટ્યુટ દ્વારા નિર્મિત ‘કોવોવેક્સ’ રસીના બીજા તબક્કાના ટ્રાયલ માટે શરતી મંજૂરીની ભલામણ કરી છે. બીજા તબક્કાના ટ્રાયલમાં સીરમે સંશોધિત પ્રોટોકોલ રજૂ કર્યા હતા, જેમા બાળકોને સામેલ કરવાની ઓફર કરી હતી. આને પ્રાધાન્ય આપતા, નિષ્ણાતોની સમિતિએ હવે બાળકો પર ટ્રાયલ કરવાની ભલામણ કરી છે. જો આ ટ્રાયલ સફળ થશે તો બાળકોના રસીકરણનો માર્ગ ખુલશે.

Share: