ભારત-ચીન વિવાદ: ગલવાન અને પેંગોંગ ત્સો પછી લદ્દાખનાં ગોગરાથી પણ સૈનિકો પરત ફર્યા

ભારત-ચીન વિવાદ: ગલવાન અને પેંગોંગ ત્સો પછી લદ્દાખનાં ગોગરાથી પણ સૈનિકો પરત ફર્યા

નવી દિલ્હી, 6 ઓગસ્ટ 2021 શુક્રવાર

ભારત અને ચીને પૂર્વી લદ્દાખમાં વિવાદિત ગોગરા વિસ્તારમાંથી પોતાના સૈનિકોને પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. 31 જુલાઈના રોજ ચુશુલ મોલ્ડોમાં કોર્પ્સ કમાન્ડર સ્તરની 12 માં રાઉન્ડની વાતચીત બાદ બંને દેશોએ આ કાર્યવાહી કરી હતી. પૂર્વ લદ્દાખનાં ગલવાન અને પેંગોંગ ત્સો લેક વિસ્તારમાંથી સૈનિકો પાછાં ખેંચાયા બાદ આ ત્રીજી સૈન્ય વાપસી છે.

સેનાનાં સૂત્રોએ જણાવ્યું કે, બંને પક્ષોએ અન્ય વિસ્તારોમાંથી સૈનિકોને પાછા ખેંચવા અંગે ચર્ચા કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને પક્ષો વચ્ચે થયેલા કરાર મુજબ આ વિસ્તાર પર કડક નજર રાખવામાં આવશે. સેનાએ કહ્યું કે ગોગરાનાં સંવેદનશીલ વિસ્તારમાંથી સૈનિકો પાછાં ખેંચી લેવાથી અહીં સંઘર્ષની શક્યતા સમાપ્ત થઇ ગઇ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ગયા વર્ષે મે મહિનાથી આ વિસ્તારમાં બંને દેશોની સેનાઓ વચ્ચે તંગદીલી પ્રવર્તતી હતી. સમજુતી મુજબ, બંને પક્ષોએ તબક્કાવાર, સંકલિત અને સત્યાપિત રીતે આ વિસ્તારમાં અગ્રિમ તૈનાતી બંધ કરી દીધી છે. 4 અને 5 ઓગસ્ટ સુધીમાં સેના પાછા ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બંને બાજુના સૈનિકો હવે પોત-પોતાનાં સ્થાયી સ્થળો પર છે.

Share: