દિલ્હીઃ પીડિતાના પરિવારને મળવા પહોંચેલા કેજરીવાલનો વિરોધ, ભાષણ દરમિયાન મંચ પરથી પડ્યા

દિલ્હીઃ પીડિતાના પરિવારને મળવા પહોંચેલા કેજરીવાલનો વિરોધ, ભાષણ દરમિયાન મંચ પરથી પડ્યા


– દિલ્હીના કૈંટ વિસ્તારમાં રવિવારે 9 વર્ષની બાળકીના મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા જેમાં પરિવારજનોએ દુષ્કર્મ બાદ બાળકીની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો 

નવી દિલ્હી, તા. 04 ઓગષ્ટ, 2021, બુધવાર

દિલ્હીમાં 9 વર્ષની બાળકીના શંકાસ્પદ મૃત્યુનો કેસ ગરમાઈ રહ્યો છે. પીડિત પરિવાર દ્વારા ન્યાય માટે માગણી કરવામાં આવી રહી છે. બુધવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ્યારે પીડિત પરિવારને મળવા પહોંચ્યા ત્યારે તેમણે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. 

ત્યાં કેટલાક લોકોએ અરવિંદ કેજરીવાલનો વિરોધ કર્યો હતો. બાદમાં મુખ્યમંત્રી ત્યાં તૈયાર કરવામાં આવેલા મંચ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. જોકે મંચ પર તેમણે બેલેન્સ ગુમાવ્યું હતું પરંતુ સુરક્ષા કર્મચારીઓએ તેમને બચાવી લીધા હતા. ત્યાર બાદ અરવિંદ કેજરીવાલ ગાડીમાં બેસીને રવાના થઈ ગયા હતા. 

વિરોધ વચ્ચે અરવિંદ કેજરીવાલે બુધવારે જ પીડિતાના પરિવારની મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ તેઓ જ્યારે મંચ પર ચઢ્યા ત્યારે ભીડનો ધક્કો લાગ્યો હતો અને તેઓ પાછા જતા રહ્યા હતા. 

દિલ્હી સરકારે હવે પીડિત પરિવારને 10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. સાથે જ આ કેસની મેજિસ્ટ્રેટ તપાસ કરાવવામાં આવશે. અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, સરકાર મોટા વકીલો રોકશે જેથી દોષિતોને આકરી સજા મળી શકે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દિલ્હીમાં કાયદો વ્યવસ્થા જાળવવા આકરા પગલા ભરે, અમે સંપૂર્ણ સહયોગ આપીશું. 

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના કૈંટ વિસ્તારમાં રવિવારે 9 વર્ષની બાળકીના મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા. પરિવારજનોએ દુષ્કર્મ બાદ બાળકીની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે. દિલ્હી પોલીસે આ કેસમાં 4 લોકોની ધરપકડ કરી છે અને હત્યા, પોક્સો એક્ટ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. 

Share: