×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચક દે ઇન્ડિયા : મહિલા હોકી ટીમ પ્રથમ વખત સેમિફાઈનલમાં


ઓલિમ્પિકમાં ભારતની મહિલા ખેલાડીઓનો દબદબો યથાવત્ : ઐતિહાસિક હરણફાળ

ક્વાર્ટર ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવ્યું  હવે આવતીકાલે આર્જેન્ટિના સામે સેમિફાઈનલ

ઓસ્ટ્રેલિયાને આઠ પેનલ્ટી કોર્નર છતાં ગોલ ન કરી શક્યું : ભારતને એક જ મળ્યો જેમાં ગોલ થયો

ટોક્યો : ભારતની મહિલા હોકી ટીમ તેના ઓલિમ્પિક ઈતિહાસમાં પ્રથમ વખત સેમિ ફાઈલનમાં પ્રવેશી છે.  આજે હોકી વિશ્વનો મેજર અપસેટ સર્જતા ઓસ્ટ્રેલિયાને 1-0 ગોલથી હરાવ્યું હતું. ભારતે મેચમાં  એક જ પેનલ્ટી કોર્નર મળ્યો હતો જે તેઓએ ગોલમાં પરિવર્તિત કર્યો હતો જ્યારે ઓસ્ટ્રેલિયાના આઠ પેનલ્ટી કોર્નરને ભારતે નિષ્ફળ બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયા 1988, 1996 અને 2000માં એમ ત્રણ વખત ઓલિમ્પિક ચેમ્પિયન બની ચૂક્યું છે. જ્યારે 1994 અને 1998માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. આ ઉપરાંત ચાર વખત કોમનવેલ્થ ગેમ્સમાં  ચેમ્પિયન બની ચૂક્યું છે.

નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ગ્રેટ બ્રિટન મહિલા હોકીમાં પાવરહાઉસ મનાય છે. ભારતે ગ્રેટ બ્રિટનને 3-1થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ નિશ્ચિત કર્યો હતો જ્યારે ક્વાર્ટર ફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હોઈ ભારત સેમિફાઈનલમાં આર્જેન્ટિનાની સામે બુલંદ હોસલા સાથે ઉતરશે. ભારત વિશ્વમાં નવમું ક્રમાંકિત છે જ્યારે ઓસ્ટ્રેલિયા વર્લ્ડ નંબર બે છે.

ભારતની ગુર્જિત કોરે 22મી મિનિટમાં પેનલ્ટી કોર્નરને ગોલમાં રૂપાંતરિત કર્યો હતો જે મેચમાં  નોંધાયેલ એકમાત્ર ગોલ હતો. ઓસ્ટ્રેલિયા આ ઓલિમ્પિકમાં એક પણ મેચ હાર્યા વગર ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યું હતું જ્યારે ભારતની ટીમે ગુ્રપની સળંગ ત્રણ મેચમાં પરાજય પછી કમબેક કર્યું હતું.

ભારતની જીતમાં ગોલકિપર સવિતાનું મહત્તમ યોગદાન કહી શકાય. મેચના પ્રથમ ક્વાર્ટરમાં જ ઓસ્ટ્રેલિયાના ગોલને અટકાવવા તેણે મેલોનનો પાવર શોટને ગોલપોસ્ટમાં જવા નહોતો દીધો. ભારતની ઝડપી અને આક્રમક ગતિની રમત ઓસ્ટ્રેલિયા માટે કલ્પના બહારની હતી તેથી તેઓ હતાશ થઈ રક્ષણાત્મક શેૈલીમાં આવી ગયા હતા.

ભારતે નવમી મિનિટમાં જ રાનીના સ્ટ્રોકથી ગોલની તક ઊભી કરી હતી જે ઓસ્ટ્રેલિયાએ ખાળી હતી. ભારતની મહિલા હોકી ટીમ 1980ની ઓલિમ્પિકમાં પ્રથમ વખત ક્વોલિફાય થઈ હતી. તે પછી સીધી 2016 રીયો ઓલિમ્પિકમાં ક્વોલિફાય થઈ હતી. જેમાં તેઓ છેલ્લા ક્રમે રહ્યા  હતા. આમ ભારતની જોરદાર હરણફાળ કહી શકાય.

ઓસ્ટ્રેલિયાએ આક્રમણ કરતા  20મી મિનિટમાં તેઓનો પ્રથમ પેનલ્ટી કોર્નર મેળવ્યો હતો. જેને ભારતે નિષ્ફળ બનાવ્યો હતો. તેની બીજી જ મિનિટમાં ગુર્જિતે પેનલ્ટી સ્ટ્રોક મળતા ગોલ કર્યો હતો.

ઓસ્ટ્રેલિયા રમતના આખરી તબક્કામાં ગોલ કરવા માટે મરણિયુ બન્યું હતું અને તેઓને ઉપરાછાપરી ત્રણ પેનલ્ટી કોર્નર મળ્યા હતા ત્યારે ગોલકિપર સવિતાએ અભેદ્ય દિવાલ જેવી ભૂમિકા ભજવી હતી.

દિપ ગ્રેસ એક્કાની ડિફેન્સ રમત પણ ઉલ્લેખનીય રહી. આખરી આઠ મિનિટમાં   તો ઓસ્ટ્રેલિયાને ચાર પેનલ્ટી કોર્નર મળ્યા હતા પણ તેઓ સફળ નહતા રહ્યા. ભારે હતાશા સાથે ઓસ્ટ્રેલિયન રડી પડયા હતા.