મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસને ફેલાતો રોકવા માટે કેન્દ્રએ નિષ્ણાતોની ટીમ પુણે મોકલી

મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસને ફેલાતો રોકવા માટે કેન્દ્રએ નિષ્ણાતોની ટીમ પુણે મોકલી

નવી દિલ્હી, 2 ઓગસ્ટ 2021 સોમવાર

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસને ફેલાતો રોકવા માટે બહુ-વિભાગીય ટીમ મોકલી છે. આ ટીમ રાજ્યમાં ઝીકા વાયરસની સ્થિતિ પર નજર રાખશે અને ઝિકાના કેસોને પહોંચી વળવામાં રાજ્ય સરકારને મદદ કરશે.

બીજી બાજુ, દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ભય વચ્ચે રસીકરણ તેજ ગતિથી ચાલી રહ્યું છે. મંત્રાલયે સોમવારે એ પણ માહિતી આપી કે રાજ્યોની સરકારી અને ખાનગી હોસ્પિટલો પાસે 3.14 કરોડ કોરોનાની રસી ઉપલબ્ધ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ પુણે જિલ્લામાં ઝીકા વાયરસનો એક કેસ મળી આવ્યો છે. આ પછી કેન્દ્રએ ટીમ મોકલવાનો નિર્ણય કર્યો. અગાઉ કેરળમાં ઝીકા વાયરસના ઘણા કેસ નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં જે સૌ પ્રથમ ઝીકા વાયરસનો કેસ નોંધાયો છે, તે મહિલાની તબિયત હાલ સારી છે, અને તેંમના પરિવારજનોને પણ કોઇ પણ પ્રકારનાં લક્ષણો નથી, આ 50 વર્ષીય મહિલાને ચિકનગુનિયા પણ હતો. 

કેરળની વાત કરીએ તો, અહીં વધુ બે કેસ નોંધાયા છે, જેનાથી રાજ્યમાં ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 63 પર પહોંચી ગઈ છે. આમાંથી 60 લોકો સાજા પણ થઈ ગયા છે, પરંતુ ત્રણ એક્ટિવ દર્દીઓની સારવાર હાલ ચાલી રહી છે.

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, અત્યાર સુધી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોનાની રસીના 49,64,98,050 ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. તેમને ટૂંક સમયમાં 9,84,610 ડોઝ આપવામાં આવી રહ્યા છે. રાજ્યો પાસે ઓછામાં ઓછા 3,14,34,654 ડોઝ બાકી છે.

Share: