×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જમ્મુઃ સતત બીજા દિવસે સાંબામાં જોવા મળ્યા 4 શંકાસ્પદ ડ્રોન, આર્મી કેમ્પ પાસે ઉડતા દેખાયા


- પોલીસ કર્મચારીઓએ આ મામલે આર્મીના જવાનોની મદદ માગી હતી

નવી દિલ્હી, તા. 02 ઓગષ્ટ, 2021, સોમવાર

પાકિસ્તાન પોતાની હરકતો છોડી નથી રહ્યું. ઘૂસણખોરીમાં નિષ્ફળતા બાદ પાકિસ્તાને હવે જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ડ્રોન ગતિવિધિઓ તેજ કરી છે. જમ્મુના સાંબા ખાતે રવિવારે 4 શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા હતા. આ ડ્રોન બડી બ્રહમના ક્ષેત્રમાં આર્મી કેમ્પ પાસે જોવા મળ્યા હતા. સાંબામાં સતત બીજા દિવસે ડ્રોન ગતિવિધિઓ જોવા મળી રહી છે. શનિવારે પણ સ્થાનિક લોકોએ 3 અલગ-અલગ વિસ્તારોમાં ડ્રોન જોયા હતા. 

જાણવા મળ્યા મુજબ જમ્મુ કાશ્મીરના પોલીસ જવાનોએ રવિવારે બડી બ્રહમનાના બીરપુર, બડી બ્રહમનાના બિસ્નાહ રોડ પર 157 ટીએ કેમ્પ પાસે, ઈન્ડસ્ટ્રીયલ ક્ષેત્રમાં અને બડી બ્રહમના પેટ્રોલ પંપ પાસે ડ્રોન જોયા હતા. જોકે જવાનોએ આ દરમિયાન ફાયરિંગ નહોતુ કર્યું. આ ડ્રોન રેન્જથી બહાર ઉડી રહ્યા હતા. જોકે પોલીસ કર્મચારીઓએ આ મામલે આર્મીના જવાનોની મદદ માગી હતી.

જાણવા મળ્યા મુજબ રાતે 9:30 કલાકે આ ડ્રોન જોવા મળ્યા હતા. તે 500 મીટરની ઉંચાઈ પર ઉડી રહ્યા હતા. સાથે જ ડ્રોનનો એક વીડિયો પણ સામે આવ્યો છે. 

શનિવારે 3 જગ્યાએ દેખાયા હતા ડ્રોન

જમ્મુ કાશ્મીરમાં શનિવારે 3 અલગ-અલગ જગ્યાએ ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા. પહેલા જમ્મુના સાંબા જિલ્લાના ગવાલ ખાતે પોલીસ સ્ટેશન અને આઈટીબીપી કેમ્પ પાસે ડ્રોન દેખાયા હતા. તેના થોડા સમય બાદ ડોમાના ખાતે સ્થાનિક લોકોએ ડ્રોન ગતિવિધિઓ જોઈ હતી. 

જાણવા મળ્યા મુજબ ડોમાના-સાંબામાં 2 કલાકમાં 3 જગ્યાએ ડ્રોન ગતિવિધિઓ જોવા મળી હતી. ડોમાનામાં 3 મિનિટ બાદ જ ડ્રોન ગાયબ થઈ ગયા હતા. ત્યાર બાદ સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન પણ ચલાવ્યું હતું. એક સ્થાનિક યુવકે લાઈટ સાથેના શંકાસ્પદ ડ્રોનનો વીડિયો પણ બનાવ્યો હતો.