સોખડાનાં સ્વામી હરિપ્રસાદનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, મુખ્યમંત્રીએ આપી શબ્દાંજલી

સોખડાનાં સ્વામી હરિપ્રસાદનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, મુખ્યમંત્રીએ આપી શબ્દાંજલી

વડોદરા, 1 ઓગસ્ટ 2021 રવિવાર

વડોદરા નજીક સોખડા ખાતે હરિપ્રસાદ સ્વામી નો પાર્થિવ દેહ ના પાંચ દિવસ દરમિયાન અનેક ભાવિક ભક્તોએ દર્શન કર્યા બાદ આજે પંચમહાભૂતમાં વિલીન થયો છે, આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે હરિધામ સોખડા ખાતે યોગી ડીવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજ આત્મીય યુનિવર્સિટીના પ્રણેતા બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહના દર્શન કરી તેમના ચરણોમાં પુષ્પમાળા અર્પણ કરી હતી.મુખ્ય મંત્રી સ્વામીજીના અંતિમ સંસ્કાર વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતની સાડા છ કરોડ જનતા વતી ગુરુવર્ય હરિપ્રસાદ સ્વામીજીને શ્રધાંજલિ પાઠવતા મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે સ્વામી સદેહે આપણી વચ્ચે નથી,પરંતુ તેઓ સદાય આપણી વચ્ચે જ છે.સ્વામીજીના આશીર્વાદ કાયમ માટે દેશ પર, ગુજરાત પર અને સહુ પર વરસતા રહેશે એવી શ્રધ્ધા તેમણે વ્યકત કરી હતી.

સામાજિક સમરસતા જાળવવામાં પણ સ્વામીજી બહુ મોટું યોગદાન હતું તેમ જણાવતા મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, સ્વામીજી હંમેશા કહેતા કે આત્મીય બનો.આત્મીય ભાવથી તેમણે અનેક પરિવારો અને વ્યક્તિઓના સંબધોમાં મધુરતા અને સુમેળ સાધી પરિવારો તૂટતાં બચાવ્યા છે.આત્માથી આત્માનો ભાવ અનુભવે તો જ પરમાત્મા પ્રાપ્ત થાય છે એમ મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું.

મુખ્ય મંત્રી એ ઉમેર્યું કે ગુજરાતનું ભલું થાય,ગુજરાત સુખી સંપન્ન બને તેની હંમેશા સ્વામીજી ચિંતા કરતા હતા.ગુજરાતને આજે તેમની મોટી ખોટ પડી છે.ગુજરાતે બહુ મોટા સંતપુરુષ ગુમાવ્યા છે. સ્વામીજીના ચરણોમાં વંદન કરી ગુજરાત તેમને કાયમ યાદ કરી તેમણે ચીંધેલા માર્ગે ચાલશે તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યંત્રીએ જણાવ્યું કે તેઓ હંમેશા કહેતા કે દાસ નો દાસ બનીને રહેવું.યુવાનો માટે તેઓ પ્રેરણામૂર્તિ સમાન હતા.સ્વામીજી આજે આપણી વચ્ચે નથી પરંતુ તેમના વિચારો, સમાજ સેવાના કાર્યો આપણી વચ્ચે છે.તેમણે ચીંધેલા માર્ગે આપણે ચાલીશું તો તેમને સેવેલા સ્વપ્નો, આકાંક્ષાઓ ચોક્કસ પુરી કરીશું એ જ એમને સાચી શ્રધાંજલિ છે.

Share: