પાકિસ્તાન હજારો આતંકીઓને તાલિબાનના સમર્થનમાં મોકલી રહ્યું છે: અફઘાન સરકાર

પાકિસ્તાન હજારો આતંકીઓને તાલિબાનના સમર્થનમાં મોકલી રહ્યું છે: અફઘાન સરકાર

કાબુલ, 30 જુલાઇ 2021 શુક્રવાર

અફઘાન સરકારે જણાવ્યું છે કે દસ હજારથી વધુ પાકિસ્તાની આતંકવાદીઓ અફઘાનિસ્તાનમાં પ્રવેશ્યા છે. એવા ઘણા રિપોર્ટ સૂચવે છે કે તાલિબાનને પાકિસ્તાની સંગઠનો દ્વારા તાલીમ આપવામાં આવે છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈએ અફઘાનિસ્તાન ટાઈમ્સના અહેવાલને ટાંકીને કહ્યું છે કે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીના પ્રવક્તાએ મીડિયાને મોકલેલા વીડિયો સંદેશમાં જણાવ્યું છે કે અફઘાનિસ્તાનમાં પ્રોક્સી વોર માટે હજારો આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા છે.

પાકિસ્તાન તાલિબાનને સતત મદદ કરી રહ્યું છે

વીડિયો સંદેશમાં પ્રવક્તાએ કહ્યું છે કે અમારી પાસે સચોટ ગુપ્તચર રિપોર્ટ છે કે દસ હજારથી વધુ પાકિસ્તાની આતંકીઓ અફઘાનિસ્તાનમાં પ્રવેશ્યા છે. જ્યારે 15,000 થી વધુ લડવૈયાઓને અફઘાનિસ્તાન જવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આ બતાવે છે કે એક નિયમિત સંસ્થા તાલિબાનને તાલીમ અને પૈસાની મદદ કરી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે આ પહેલા અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પણ કહ્યું હતું કે એક મહિનામાં 10,000 વિદેશી આતંકવાદીઓ પાકિસ્તાનથી અફઘાનિસ્તાનમાં આવ્યા છે. જુલાઇની શરૂઆતમાં, ગનીએ આતંકવાદી સંગઠનો સાથેના સંબંધો તોડવા ન હોવા બદલ પાકિસ્તાનની ટીકા કરી હતી.

Share: