સંજય રાઉતે પવારને ગણાવ્યા ભીષ્મ પિતામહ, ભાજપા સાંસદે પુછ્યું- શું તેમનું હૃદય પાંડવો સાથે છે?

સંજય રાઉતે પવારને ગણાવ્યા ભીષ્મ પિતામહ, ભાજપા સાંસદે પુછ્યું- શું તેમનું હૃદય પાંડવો સાથે છે?


– પવાર સાથેની મુલાકાત બાદ પીકેએ પણ કહ્યું હતું કે, મોદી વિરૂદ્ધ તૈયાર થઈ રહેલા મોરચામાં કોંગ્રેસ રહે તે પણ જરૂરી

નવી દિલ્હી, તા. 29 જુલાઈ, 2021, ગુરૂવાર

મમતા બેનર્જીના દિલ્હી પ્રવાસ વચ્ચે શિવસેના સાંસદ સંજય રાઉતે એનસીપી અધ્યક્ષ શરદ પવારને વિપક્ષના ભીષ્મ પિતામહ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, મમતા બેનર્જી આકર્ષણનું કેન્દ્ર બનેલા છે પરંતુ કોંગ્રેસ વગર મોદી પર વિજય મેળવવો સંભવ નથી જણાઈ રહ્યો. રાઉતના આ નિવેદનને લઈ ભાજપના સાંસદે ટીખળ કરી હતી અને સવાલ કર્યો હતો કે, શું એટલે જ તેઓ (શરદ પવાર) મનથી પાંડવોની સાથે છે? 

સોશિયલ મીડિયા પર લોકો સ્વામીની આ ટ્વીટ પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકોનું માનવું છે કે, સ્વામીએ પાંડવોનો ઉલ્લેખ ભાજપ માટે કર્યો છે. સંજય રાઉતે કહ્યું કે, ‘પવાર વિપક્ષના ભીષ્મ પિતામહ છે. રાજકારણમાં તેમની સલાહ લઈને અનેક નિર્ણયો લેવામાં આવે છે. જો વિપક્ષ કમજોર હોય તો સમજી લો કે લોકશાહી પણ નબળી છે. અનેક વખત એવું બને છે કે, ક્ષેત્રીય દળોના નેતાઓને રાષ્ટ્રીય સ્તરે આગળ આવવું પડે છે.’

સુબ્રમણ્યમ સ્વામીની વાતના અનેક અર્થ એટલા માટે કાઢવામાં આવી રહ્યા છે કારણ કે, તેમણે પૌરાણિક ચરિત્રના જવાબમાં બીજા પૌરાણિક ચરિત્રોનો ઉલ્લેખ કરી દીધો હતો. મહાભારતની વાત કરીએ તો ભીષ્મ પિતામહ દેખીતી રીતે કૌરવો બાજુ હતા પરંતુ મનથી તેઓ ઈચ્છતા હતા કે પાંડવોનો વિજય થાય. તેઓ સમયે સમયે પાંડવોને વિજય શ્રીનો આશીર્વાદ પણ આપતા રહેતા હતા. જોકે મજબૂરીવશ તેમણે કૌરવો બાજુ રહીને યુદ્ધ લડવું પડ્યું હતું. 

વર્તમાન રાજકારણની વાત કરીએ તો પ્રશાંત કિશોરની શરદ પવાર સાથેની મુલાકાત બાદ એવો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે, વિપક્ષને ભાજપ વિરૂદ્ધ સક્રિય કરવામાં પવાર મોટો ભાગ ભજવશે. જોકે હવે મમતા બેનર્જી તેમનાથી આગળ નીકળીને સામે આવી રહી છે. પવાર સાથેની મુલાકાત બાદ પીકેએ પણ કહ્યું હતું કે, મોદી વિરૂદ્ધ તૈયાર થઈ રહેલા મોરચામાં કોંગ્રેસ રહે તે પણ જરૂરી છે. 

Share: