પેગાસસ જાસૂસી કાંડ પર સંસદમાં ચર્ચાની માગ, સાથે આવ્યા 14 વિપક્ષી દળ, રાહુલે કહ્યું- પાછા નહીં હટીએ

પેગાસસ જાસૂસી કાંડ પર સંસદમાં ચર્ચાની માગ, સાથે આવ્યા 14 વિપક્ષી દળ, રાહુલે કહ્યું- પાછા નહીં હટીએ


– પેગાસસ મુદ્દે 10 પક્ષો તરફથી નોટિસ આપવામાં આવશે જેના પર રાહુલ ગાંધીના હસ્તાક્ષર પણ હશે

નવી દિલ્હી, તા. 28 જુલાઈ, 2021, બુધવાર

પેગાસસ જાસૂસી કાંડને લઈ સંસદમાં જોરદાર હંગામો ચાલી રહ્યો છે. વિપક્ષ દ્વારા આ મુદ્દે ચર્ચા કરવા માગણી કરવામાં આવી રહી છે. આજે એટલે કે બુધવારે સત્રની કાર્યવાહી પહેલા વિપક્ષી દળોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 14 રાજકીય દળો સામેલ થયા હતા. બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ પેગાસસ જાસૂસી કાંડને લઈ કોઈ પણ પ્રકારની સમજૂતી નહીં કરવામાં આવે અને સરકારે જવાબ આપવો જ પડશે તેમ કહ્યું હતું. 

આ મામલે 10 પક્ષો તરફથી નોટિસ આપવામાં આવશે જેના પર રાહુલ ગાંધીના હસ્તાક્ષર પણ હશે. અત્યાર સુધી વિપક્ષ વિવિધ મુદ્દે વહેંચાયેલો હતો પરંતુ આ બેઠક બાદ સરકારને પેગાસસ મુદ્દે એક સાથે ઘેરવાની તૈયારી ચાલી રહી છે. 

વિપક્ષની બેઠકમાં 14 દળ સામેલ થયા

INC, DMK, NCP, SS, RJD, SP, CPIM, CPI, NC, AAP, IUML, RSP, KCM, VCK 

પેગાસસ મુદ્દે ચર્ચા થાયઃ ખડગે

કોંગ્રેસી નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે સદન ચાલે અને ત્યાં પેગાસસ મુદ્દે ચર્ચા થાય. અનેક દેશોમાં પેગાસસ કેસની તપાસ ચાલી રહી છે તો ભાજપ આપણા દેશમાં તેની તપાસ શા માટે નથી કરી રહ્યું? વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે તેની તપાસ કરાવવી જોઈએ. 

કોંગ્રેસ પર નકવીનો પલટવાર

કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે, કોંગ્રેસથી પોતાનું ઘર સંભાળાઈ નથી રહ્યું. આજે પણ મોટા ભાગના વિપક્ષના લોકો ઈચ્છે છે કે, સંસદ ચાલે, વાદ-વિવાદ અને ચર્ચા થવી જોઈએ, પરંતુ કોંગ્રેસ પોતાના નકારાત્મક નિર્ણયો વિપક્ષ પર થોપીને વિપક્ષની અન્ય પાર્ટીઓના સકારાત્મક વિચારોને પણ બંધક બનાવવા ઈચ્છે છે. 

Share: